મોબાઇલ ફોનની લત કહો કે વળગણ તેના દૂષણના કારણે કામરેજના પરબ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો હતો.વર્તમાન સમયમાં આબાલ વૃદ્ધ સહિત તમામ મોબાઇલ ફોનના વળગણ અને લતના જાણે આદિ વ્યસની સહિત તેના બંધારણી બની ગયા હોય એમ કહેવામાં અસ્થાને નથી જ.ત્યારે કામરેજના પરબ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારમાં માતા પાસે 14 વર્ષીય પુત્રીએ મોબાઇલ ફોન માંગતા માતાએ ફોન આપવાની ના પાડતા પુત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મોતની સોડ તાણી લીધી હતી.કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા અરુણદાસ નાદુદાસ દાસ પરિવારમાં પત્ની સહિત એક પુત્રી સાથે વસવાટ કરે છે.વરાછા ખાતે રહેતા મિતુલભાઈ દિયોરાના ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં તેઓ માર્કેટિંગ કામ કરે છે.ગત બુધવારના રોજ પત્ની ઇતિદાસ પાસે તેમની પુત્રી હાસીદાસે મોબાઇલ ફોન માંગતા માતાએ તેને ના પાડી હતી.આથી પુત્રી હાસીદાસને માઠુ લાગી આવતા તે ઉપરના રૂમ ચાલી ગઈ હતી.બાદમાં માતા ઇતિદાસ ઘરનું કામ પતાવી ઉપર ગયા હતા તો રૂમ અંદરથી બંધ હતો.જે દરમ્યાન આજુબાજુના હાર્દિકભાઈ તેમજ સુરેશભાઈ નામના વ્યક્તિ આવતા તેમના દ્વારા સીડી પર ચઢીને જોતા પુત્રી હાસીદાસ દુપટ્ટા વડે પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી.બાદમાં હાર્દિકભાઈ નામના વ્યક્તિએ સીડી પર ચડી રૂમમાં પ્રવેશ કરી અંદરથી દરવાજો ખોલતા તેઓ અંદર પ્રવેશ્યા હતા.રૂમમાંથી લટકતી હાલતમાં રહેલી હાસીદાસને હાર્દિકભાઈ તેમજ સુરેશભાઈએ દુપટ્ટો છોડી નીચે ઉતારી હતી.બાદમાં ખાતાના માલિક મિતુલ ભાઈ દિયોરા ઘટના સ્થળે આવી પહોચતા હાસીદાસને ફોર વ્હીલ ગાડીમાં લઈ ખાનગી દવાખાને લઇ જતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.જે સમગ્ર ઘટના અંગેની જાણ મૃતક હાસીદાસના પિતા અરુણદાસ નાદુદાસ દાસે કામરેજ પોલીસ મથકે કરતા કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આધુનિકતા નામે જમાના સાથે તાલ મિલાવવા ગડમથલ કરતા માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો.રડતા બાળકને મોબાઇલ આપી શાંત કરી દેતા માવતર માટે મનોમંથન જરૂરી. માતાએ બાળકીને મોબાઇલ નહી આપતા બાળકીએ ગળે ફાંસો ખાઇ લીધો.
