જિલ્લાના કામરેજના ચોર્યાસી ટોલનાકા પર આવતી કાલ 5 ફેબ્રુઆરીથી ટોલટેક્ષ વસૂલી ફરજિયાત નક્કી કરવામાં આવ્યું છે.જેને લઇને હવે સ્થાનિકોમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો.સ્થાનિક વાહન ચાલકોએ ગત રોજ ટોલનાકા પર હોબાળો મચાવ્યો હતો.
સુરત જિલ્લના કામરેજ ચોર્યાસી નજીક આવેલ ટોલ પ્લાઝાનો મુદ્દો ફરી ગરમાયો છે.ચોર્યાસી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર કાર્યરત ટોલનાકાના વિવાદ ફરી વકર્યો હતો.6 માસ પહેલા રોડની જાળવણી તેમજ ટોલટેક્ષ ઉઘરાવાનો કોન્ટ્રાકટ IRB નામની કંપની પાસે હતો.ત્યાર બાદ કોન્ટ્રાકટ પૂરો થતા હાલ ટોલનાકા ની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે. ટોલનાકાનો IRB નો કોન્ટ્રાકટ પૂરો થતા NHAI દ્વારા સરકારના GR મુજબ ટોલ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેથી સ્થાનિકો માં વિરોધનો સુર ઉઠ્યો છે.
જે સ્થાનિક વાહનોને અત્યાર સુધી ટોલ મુક્તિ આપવામાં આવી હતી. જોકે ગત રોજ સવારે વાહન ચાલકો ટોલનાકા ઉપર ભેગા થયાં હતાં. અને વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. અને ટોલબુથમાં બેસેલા કર્મચારીઓને પણ વાહન ચાલકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. પરિસ્થિતિની જાણ કામરેજ પી.આઇ આર.બી ભટોળ સહિત જિલ્લા ટ્રાફિક પી.આઇ બી.કે પટેલને થતા પોલીસ કુમક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
હાલ સ્થાનિક કોમર્શિયલ વાહન માટે 50% રાહત આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. વાહન ચાલકો તમામ સુવિધા માત્રને માત્ર ફાસ્ટેગ મારફતે મેળવી શકાશે.રોકડ વહેવારમાં વાહન ચાલકોને કોઈ પણ જાતની છૂટછાટ આપવામાં આવી નથી વાહન ચાલકોએ પાસેથી ટેક્ષ વસૂલી કરવામાં આવશે.પરંતુ સ્થાનિક વાહન ચાલકોને ટોલ માંથી સંપૂર્ણ મુક્તિ આપવાની માંગ પણ કરવામાં આવી હતી. જેથી આવનાર દિવસોમાં ટોલ નાકાનો વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નથી.