મનુષ્ય અપૂર્ણ હોય છે માટે તેને પૂર્ણ બનવા આધ્યાત્મિક કોશિશ કરવી પડે છે.જ્યારે પક્ષી પૂર્ણ હોય છે એટલે તેને જન્મજાત ઉડતા આવડતું હોય છે.પરંતુ આપણે સૌ એ પૂર્ણ પક્ષીને સંપૂર્ણ રક્ષણ-સંરક્ષણ મળે એ માટે અવશ્ય પ્રેરણાદાયી કાર્ય કરીએ...પોતાના માનસ ગુરુ કવિ જિમના શબ્દોને સાર્થક કરવા બીડું ઝડપ્યું હોય એમ ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામના વતની અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ સેન્ટર અને લાઈબ્રેરી ચલાવતા માળી મુકેશકુમાર બક્ષુબેન બાબુજી કનાજી પરમારે લગ્નપત્રિકાને પંખીઘરમાં પરિવર્તિત કરીને આવનારી પેઢીને નવ સંદેશ આપવાની પહેલ કરી છે.ઉપરાંત અટક-જ્ઞાતિ અને માતા પિતા સહિત સંપૂર્ણ નામ લખવાની પરંપરા પણ શરૂ કરી છે.
આવો અદ્દભુત વિચાર ક્યાંથી આવ્યો એમ પૂછતાં મુકેશ પરમારે જણાવ્યું હતું કે મોટે ભાગે કોઈપણ જ્ઞાતિના લોકો જમણવાર તારીખ જોઈને લગ્ન પત્રિકાને કચરાપેટીમાં નાખી દેતા હોય છે અથવા તો ઝડપી ચૂલો પેટવવા તેનો સરળ ઉપયોગ કરતા હોય છે એના કરતાં તે લગ્ન પત્રિકાનો કંઈક સદુપયોગ થાય તેવા ઉમદા આશયથી મને સ્વયંભૂ ચકલીઘર જેવી લગ્ન પત્રિકા બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો અને મેં તેને તરત જ અમલી બનાવવાનો નિર્ણય લીધો હતો ! અન્ય પર્યાવરણપ્રેમીઓને પ્રેરણા મળે તેવો આ ઉમદા વિચાર સૌ કોઈએ અપનાવવા જેવો જણાય છે.