હોય કદમ અસ્થિર તો રસ્તો પણ જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.વાત છે રાજસ્થાનના મંડારના મૂળ વતની પણ વર્ષોથી અંબાજીમાં ગબ્બર રોડ પર રબારીવાસમાં રહેતા આધેડ વયના માળી પ્રભુજી રાવતાજી રામજીજી સુંદેશાની બાર મહિના પહેલાં નિદાન થયું હતું કે તેઓને ગળાનું કૅન્સર છે પણ દવાઓ અને દુવાઓ કરી હોવા છતાં છેલ્લા સાત મહિનાથી કૅન્સરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમની હાલત દિનપ્રતિદિન વધુ લથડવા લાગી.એક તબક્કે તો તેઓ પથારીવશ પણ થઈ ગયા.સગા વ્હાલાઓએ તેમના બચવાની આશા પણ છોડી દીધી હતી ! પરંતુ કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે ? એ ન્યાય અનુસાર દવા શેક અને ઘી દૂધ વગેરે દેશી ઉપચાર પદ્ધતિ વડે તેમને ધીમે ધીમે રિકવરી આવવા લાગી.તેઓ કૅન્સરગ્રસ્ત તો છે જ પણ જિંદગી જીવે છે મસ્તીથી ! ખરેખર શરીર થાકી ગયું હોવા છતાં તેઓ મનથી જરાય થાક્યા નથી.
વાત પણ એજ અદાથી કરે છે જાણે તેઓ એકદમ તંદુરસ્ત ન હોય ! જીભ થોથવાતી હોવા છતાં કોઈપણ જાતના ડર કે વેદનાની પરવા કર્યા વગર મળવા આવનાર મહેમાન સાથે એકદમ યુવાન હોય એમ વાત કરે છે...ઘરના કાર્ય માટે ઘરથી દૂર સુધી ચાલીને પણ પહોંચી જાય છે.ભૂતકાળમાં ખપ પુરતું હેલ્પરનું કાર્ય કર્યું હોવાથી પાછળના ખિસ્સામાં પક્કડ પણ રાખે છે.મૂળ ટેક્ષી ડ્રાઈવરનો ધંધો કરનાર પ્રભુજી માળી એક અચ્છા ટૂરિસ્ટ ગાઈડ પણ છે એટલે પ્રવાસીને સમજાવતા હોય તેમ મહેમાન સાથે દ્રઢ મનોબળથી હસતા હસતા વાત કરે છે ત્યારે કોઈપણ જીવલેણ રોગગ્રસ્ત વ્યક્તિને શેષ જીવન મસ્તીથી જીવવાની અવશ્ય પ્રેરણા મળે જ એમાં મીનમેખ નથી !