છેલ્લા બે દિવસથી ડીસા સહિત આજુબાજુના પંથકના વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે. જેમાં ગત રાત્રે પણ ડીસા પંથકમાં ભારે પવન ફૂંકાતા મારવાડી મોચીવાસ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.

મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા પરથીભાઈ દેવીપુજક પોતાના મકાનમાં રાત્રિના સમયે સૂતા હતા. તે દરમિયાન રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે અચાનક તેમના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાને પગલે પરથીભાઈનો પરિવાર તાત્કાલિક બહાર દોડી આવી જોતા મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. દિવાલ ધરાશાયી થતાં તેના નીચે સુતેલા એક શ્વાનનું દબાઈ જતા મોત નીપજ્યું હતું.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે ડીસા શહેરમાં પણ મારવાડી મોચીવાસ વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા દેવીપુજક પરિવારના મકાનના કોટની દિવાલ ધરાશાયી થતા અંદાજીત રૂ. 50,000 થી 60,000 નું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.