ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. 24 જાન્યુઆરીથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અને મતદાન 17 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે 18 એપ્રિલના રોજ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે, માર્કેટયાર્ડની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયુ છે. ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર છે. જેના માટેની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થઈ જશે. 5 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરી શકશે. જે ઉમેદવારી પત્રની ચકાસણી 6 એપ્રિલના રોજ થશે. જ્યારે 10 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ત્યારબાદ 17 એપ્રિલના રોજ માર્કેટયાર્ડ માટેની ચૂંટણી માટે મતદાન યોજાશે અને 18 એપ્રિલના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
ડીસા માર્કેટયાર્ડમાં અત્યારે માવજીભાઈ દેસાઈ ચેરમેન છે. જેઓ ધાનેરામાં અપક્ષ ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે. ઉત્તર ગુજરાતમાં આવકમાં બીજા નંબરની માર્કેટયાડની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. જેમાં ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ પોતાની પેનલ ઉતારશે. ત્યારે ચૂંટણીની જાહેરાત થતા જ સહકારી આગેવાનોએ પણ પોતપોતાની લોબીંગ શરૂ કરી દીધી છે.