બનાસકાંઠાના ડીસા તાલુકાના લુણપુર ગામે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી 8 ગામનો સામૂહિક કુરિવાજો અને વ્યસનોનો તિલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરબાર-સોલંકી સમાજના હજારો લોકોએ સામૂહિક કુરિવાજોને જાકારો આપી વ્યસન મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

જે સમાજના યુવાનો દેશની રક્ષાકાશે હર હંમેશ ખડે પગે તૈયાર રહે છે. તેવા સોલંકી દરબાર સમાજમાં પણ છેલ્લા ઘણા સમયથી વ્યસન નામનું દુષણ ઘૂસી ગયું છે. આ સમાજમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા કુરિવાજો અને વ્યસનના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો હતો. ત્યારે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી હવે ફરી પાછો આ સમાજ વ્યસનથી દૂર થયો છે. જેમાં આજે ડીસા તાલુકાના લુણપુર ગામે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરાયુ હતું. ત્યારબાદ નકળંગ ભગવાનના મંદિરે જાહેરસભા યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બાહદુરસિંહ વાઘેલા, પનસિંગ સોલંકી સહિત સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ગણીવાર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ વિજયજી મહારાજ સાહેબે લોકોને કુરીવાજો અને વ્યસનથી થતા નુકસાન અંગે ગહનપૂર્વક સમજાવ્યું હતું. ત્યારબાદ તમામ લોકોએ સામૂહિક કુરિવાજોને તિલાંજને આપી વ્યસનથી મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં લગ્ન મરણ દિવાળી કે બેસતા વર્ષ જેવા પ્રસંગમાં અફીણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગામમાં દારૂ પીવા કે વેચવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, લગ્નમાં ડીજે કે રિસેપ્શન જેવા કુરિવાજો પણ બંધ કર્યા હતા, સાથે જ વરઘોડા અને ડાયરામાં પૈસા ઉછાળવા પર અને જુગાર રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતી પ્રતિજ્ઞા લીધી હતી.