બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ..

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોનો અધિકારીશ્રીઓ દ્વારા પાઠવવામાં આવેલ જવાબ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. 

    જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી, રેલવે, નગરપાલિકા, રખડતાં ઢોરની સમસ્યા, સુજલામ સુફલામ યોજના, ટ્રાફિક સમસ્યા, સિંચાઈ, સસ્તા અનાજની દુકાન, મનરેગા યોજના, વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓની વિગત, પીવાના શુદ્ધ પાણીના પ્રશ્નો સહિત વનવિભાગ, પોલીસ વિભાગ, માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોને લગતા પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો સંદર્ભે કરવામાં આવી હતી.

    કલેક્ટર શ્રી આનંદ પટેલે અધિકારીઓને સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોના લેખિત જવાબ સમયસર આપવા માટે તાકીદ કરી હતી. ઉપરાંત, તાલુકા સંકલન સમિતિમાં તાલુકાના પ્રશ્નોનું સમાધાન કરવા અને મહત્ત્વના પ્રશ્નો જ જિલ્લા કક્ષાની સમિતિમાં ચર્ચાય એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદશ્રી દિનેશભાઇ અનવાડિયા, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, અનિકેતભાઇ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર અને શ્રીમતિ ગેનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી રીટાબેન પંડ્યા, ડી.સી.એફ અભયકુમાર સિંઘ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.