એક તરફ જ્યારે ગુજરાતનાં ગૃહ મંત્રી વ્યાજ જેવા દૂષણને ડામવા કટીબંધ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં વધુ એક ઉઠામણું થતા સેંકડો ગ્રાહકોના આશરે રૂપિયા ફસાઈ ગયા છે અને દૈનિક બચત કરતા અનેક લોકોને રોવાનો વારો આવ્યો છે. જીવનભરની પર્સેવાની કમાણીના રૂપિયા ફસાઈ જતા રોકાણકારોએ સરકાર પાસે મદદ માગી રહ્યા છે. ડીસામાં પીલ્લર સામે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલા કેશર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીએ ઉઠામણું કરતા લોકોના અંદાજીત કરોડો રૂપિયા સલવાયા છે. વધુ વ્યાજની લાલચમાં લોકોએ આ ક્રેડિટ સોસાયટીમા રૂપિયા જમા કરાવ્યા હતા. કેટલાય લોકોએ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી અને પાકતી મુદતે જ્યારે ગ્રાહકો પૈસા લેવા માટે પહોંચ્યા ત્યાં સુધીમાં તો કંપનીના સંચાલકો ઓફિસને તાળું મારી ફરાર થઈ જતા હવે સેંકડો લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોને તો ક્રેડીટ સોસાયટીના સંચાલકોએ પાકતી મુદતના ચેક આપ્યા હતા . જોકે તે પણ બાઉન્સ થતાં ગ્રાહકોએ ડીસા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડીસામાં અગાઉ પણ અનેક મંડળીઓએ ઉઠામણું કરતા લોકોના કરોડો રૂપિયા ડૂબ્યા હતા. ત્યારબાદ હવે કેશર ક્રેડીટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે.! લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. મોટાભાગે કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતી હૉય છે. અને લોકો પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે. ત્યારે લોકોએ પણ આવી ક્રેડિટ સોસાયટીઓ પર વિશ્વાસ કરતા વિચારવું જોઈએ અને સરકારે પણ આડેધડ ઓફિસો ખોલી બે ચાર વર્ષ ક્રેડિટ સોસાયટીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ઉઠામણું કરી જતા લોકોની સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.