લાઠી તાલુકાના શાખપુર ગામે રહેતા એક ઈસમને ત્રણ જેટલા લોકોએ ૩ વર્ષ અગાઉ લોખંડના પાઈપ તથા લાકડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કર્યા બાદ આ વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું . આ અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બે આરોપી પિતા - પૂત્રને આજીવન કેદ તથા બન્નેને રૂા . ૫૦-૫૦ હજાર દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો . મૃતકના પત્નીને રૂા . ૧ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો . આ બનાવમાં લાઠી તાલુકાના શાખપુર ગામે રહેતા ભગવાનભાઈ કેશુભાઈ બલરને તે જ ગામે રહેતા નારણભાઈ નાથાભાઈ સીતાપરા સાથે ઘણા જ સમયથી જમીન બાબતે વાંધો ચાલતો હોય , તે વાતનું મનદુઃખ રાખી ગત તા .૪ / ૧૧ / ૧૯ ના રોજ આરોપી નારણભાઈ નાથાભાઈ સીતાપરાએ લોખંડના પાઈપ વડે તથા તેમના દીકરા પ્રિયંકભાઈ તથા જગદીશે લાકડી લઈ આવી , ગાળો આપેલ તથા લોખંડના પાઈપ વડે માથાના ભાગે મરણતોલ માર મારી ગંભીર ઈજાઓ કરી હતી . જયારે લાકડી વડે ભગવાનભાઈને ડાબા હાથે ફેકચર કરી દઈ તથા આંખના ભાગે ઈજાઓ કરેલ હતી . આ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી . ભોગ બનનાર ભગવાનને સારવાર માટે પ્રથમ ગારીયાધાર , બાદમાં વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા .જયાં તા .૨૪ / ૧૧ / ૧૯ ના રોજ તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં હત્યાનો ગુન્હો બનેલ હતો . આ બનાવ અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલો સત્ર ન્યાયધિશ આર.ટી. વાણીએ માન્ય રાખી આરોપી પ્રિયંક નારણભાઈ સીતાપરા તથા તેના પિતા નારણભાઈ નાથાભાઈ સીતાપરાને આઈપીસી કલમ ૩૦૨ માં કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા બન્ને આરોપીને રૂા . ૫૦-૫૦ હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો . સાથોસાથ દંડની રકમમાંથી અપીલ સમય વીત્યા બાદ મૃતકના પત્નીને રૂા . ૧ લાખ વળતર પેટે ચૂકવવા પણ આદેશ કર્યો હતો .