મકરસંક્રાંતિ તહેવારમાં પશુ – પક્ષી ઇજાગ્રસ્ત દેખાય તો તુરંત ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર કોલ કરો
કરુણા અભિયાન અંતર્ગત ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાશે
હિંમતનગર ખાતે કરુણા અભિયાન માટે ૩ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ*જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને કાતિલ દોરીથી પશુ -પક્ષીઓને થતી ઈજાઓને બચાવવા માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તરાયણને અનુલક્ષીને તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે. ઇજા પામેલા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને પક્ષીઓનાં જીવ બચાવી શકાય તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ની તમામ ટીમ પૂરતી દવાઓ, સાધનો સાથે સજજ કરવામાં આવી છે.
જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ૧૬ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જેમાં હિંમતનગર ખાતે કુલ -૩ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જે સવારે ૭:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ કાર્યરત રહેશે. જેમાં આં વર્ષે કુલ ૯૦-૯૫ ઇમરજન્સી કોલ આવવાની સંભાવના છે.
ગુજરાત સરકાર,પશુપાલન વિભાગ અને ઇ. એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પી.પી.પી મોડલ પર સાબરકાંઠા જિલ્લામા એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ખાતે અને કુલ ૧૫ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં તાલુકાનાં જુદા જુદા ગામડાઓમાં કાર્યરત છે. જિલ્લામાં દરેક જનતાને નમ્ર અપીલ છે કે કોઈ પણ પશુ – પક્ષી ઇજા કે ઘવાયેલ દેખાય તો તરત જ ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર કોલ કરવો.