કડી: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં વિજય બનેલા ત્રણ ધારાસભ્યોનો રવિવારે કડીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કડી, નાની કડી વિસ્તારમાં આવેલા અયોધ્યા ધામ સોસાયટી પરિવાર દ્વારા કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર અને વિરમગામના યુવા MLA હાર્દિક પટેલનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમસ્ત અયોધ્યા ધામ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમરોહ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો તેમજ BJPના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કડી, નાની કડી વિસ્તારમાં આવેલી અયોધ્યા ધામ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના 2022 વિધાનસભામાં વિજય બનેલા કડી વિરમગામ, બેચરાજીના ધારાસભ્યનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિરમગામ, દેત્રોજ, માંડલ વિસ્તારના જેટલા પણ લોકો કડીમાં રહેતા હોય તેમને 2022 વિધાનસભાની ચૂંટણીમાં અમને મદદ કરી તે બદલ હાર્દિક પટેલે તેમનો આભાર માન્યો હતો. મારી ઉંમર ખૂબ નાની છે, પરંતુ લોકો માટે કંઈક કરી છૂટવાની ધગસ છે. જે ભરોસો અને વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે. તેમાં કોઈપણ પ્રકારની કચાસ ન આવે તે માટે હું હૃદયથી કામ કરીશ. લોકો માટે જ્યારે કડીના લોકો અમારા વિસ્તારમાં આવે ત્યારે કહેતા હોય છે કે, અમારું કડી બહુ જ સારું છે. ત્યારે અમને ઈર્ષા થાય કેમકે મને એટલો ભરોસો છે કે નીતિનભાઈના કડી કરતાં વિરમગામ, માંડલ, દેત્રોજ સારું બનાવવાનું છે. એટલા માટે કહું છું કે, માંડલ દેત્રોજ વિરમગામ તાલુકામાં મકાન ન હોય તો લઈ લેજો વિરમગામ માંડલ વિસ્તાર સારામાં સારું બને તેઓ આપણે સૌએ કરવાનું છે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડીના વિકાસ માટે ભૌગોલિક સ્થિતિને બદલવા માટે ખૂબ જ મહેનત કરી છે. તે બદલ તેમનો આભાર માનવો જોઈએ. કડીમાં વારેવારે તોફાનો થતાં, કડીમાં બેન દીકરીઓની આબરૂ વાત આવતી તો સવાલો ઊભા થતા હતા અને જ્યારથી નીતિનભાઈનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મળ્યું હોય અને નીતિનભાઈનું નેતૃત્વ મળ્યું હોય ત્યારથી કડીને સારામાં સારું સુશાસન મળવાનું કામ કર્યું છે.
આમ તો હું પહેલી વખત કડીમાં આવ્યો છું અને સાત આઠ વર્ષથી આંદોલનના કારણે મહેસાણા જિલ્લામાં આવવાની મનાઈ હતી અને જેના કારણે અમે હેરાન પરેશાન અને તકલીફો વેઠી છે. એ આંદોલન ના કારણે ખૂબ લાભ મળ્યો છે. 1,000 કરોડની યોજના હોય બિન અનામત આયોગ હોય, તો બધાને મારી વિનંતી છે કે, 10% અનામતનો લાભ તમે લેજો. બિન અનામત આયોગનો લાભ તમે બધા લેજો તેવું જણાવ્યું હતું અને દરેકનો તેઓએ આભાર માન્યો હતો.