ભુજ : કચ્છ જિલ્લામાં કોરોના બીએફ-૭ને લઇને આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ બાદ હવે બૂસ્ટર ડોઝ અભિયાનને ઝડપથી ધપાવવા આયોજન કરાયું છે. કોરોનાના સંભવિત ખતરાને રોકવા આરોગ્ય તંત્ર પુરેપુરૂ સતર્ક બની ગયાનું ટેસ્ટીંગના આંકડાઓ પરથી લાગી રહ્યું છે. જિલ્લામાં પાછલા થોડા દિવસોથી ટેસ્ટિંગની કામગીરી વધારી દેવાઈ છે. સાથોસાથ એકલ દોકલ પોઝિટીવ કેસ પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ રાજય સરકારે ફાળવેલા કવોટામાંથી ફાળવાયેલા કોવેકસીન રસીના ૪ હજાર ડોઝ પહોંચી આવ્યા છે. આજથી ક્રમશઃ બૂસ્ટર ડોઝનો જથ્થો જિલ્લાને મળતો રહેશે. જેની તાલુકાવાઇઝ ફાળવણી કરી રસીકરણની કામગીરી આગળ ધપાવવામાં આવશે. વધુમાં કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય પરંતુ બુસ્ટર ડોઝ ન લીધો હોય તેવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રએ જઇને નામ નોંધાવવા અને જથ્થો ઉપલબ્ધ હોય તો બૂસ્ટર ડોઝ લેવા પણ અપીલ કરવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ કેન્દ્ર અને રાજય સરકારની સૂચનાથી કચ્છમાં પણ લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. હવે કોરોનાનો ભય લાગતા લાંબા સમયથી રસીનો પ્રિકોશન ડોઝ નહીં લેતા નાગરિકો વેકસીનની ઇન્કવાયરી કરવા લાગ્યા છે. છેલ્લા અઠવાડિયાથી રસીનો ત્રીજો ડોઝ કયારે મળશે તેની પૃચ્છા કરવા આરોગ્ય કેન્દ્રો પર જતા હતા. પરંતુ થોડા દિવસ અગાઉ કોવેકસીનના બચેલા ડોઝમાંથી રસી અપાતી હતી જે પણ ખાલી થઇ ગઇ હતી. મોટા ભાગની વસતિને કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. આથી કોવિશિલ્ડનો ડોઝ મળે ત્યારે જ વેગથી રસીકરણ શરૂ થશે તેમ માનવામાં આવે છે. કચ્છ સહિતના આરોગ્ય વિભાગોએ રાજય સરકાર પાસે આ માટે જરૂરી માંગણી પણ મૂકી દીધી છે. કચ્છ જિલ્લાને રાજય સરકારમાંથી કોવેકસીનના ૪૦૦૦ ડોઝ મોકલવામાં આવ્યા છે, જેની જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર ફાળવણી કરી દેવામાં આવી છે. આ કેન્દ્રો પર આજે ધીમી ગતિએ રસીકરણ ચાલુ થયું હતું. કચ્છમાં આમ તો વેકસીનનો ત્રીજો ડોઝ માત્ર ૪.પ૪ લાખ લોકોએ જ લીધો છે. પ્રથમ અને બીજા ડોઝની સરખામણીએ માત્ર ચોથા ભાગના નાગરિકોએે પ્રિકોશન ડોઝ લીધા છે. બાકીના નાગરિકો માટે ચૂંટણી પૂર્વે ફ્રી વેકસીનની જાહેરાત કરવા છતાં ડોઝ લેવા માટે જરાય ઉત્સાહ દાખવ્યો ન હતો. પરંતુ કોરોનાનો ખતરો વધતા હવે લોકો ડોઝની રાહ જુએ છે.
કોવેકસીન રસી આમ તો બહુ ઓછા લોકોને આપવામાં આવી છે. આ નાગરિકો કેન્દ્ર પર જઇને રસી લઇ શકે છે. પ્રથમ બે ડોઝ જે વેકસીનના લેવામાં આવ્યા હોય તેનો જ ત્રીજો ડોઝ આપી શકાય છે. આથી કોવિશિલ્ડનો જથ્થો આવે તેની નાગરિકો અને આરોગ્ય વિભાગ રાહ જુએ છે. કેન્દ્ર સરકારે રાજયો માટે કોવિશિલ્ડનો નવો જથ્થો મોકલવા તજવીજ શરૂ કરી છે.આ બાબતે ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એ ખત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે કોરોનાની રસીનો જથ્થો કચ્છ આવવા રવાના થઈ ગયો છેે. આજથી જ કચ્છના આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ થઈ જશે. રાજ્ય સરકારે બુસ્ટર ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવા સ્થાનિક આરોગ્ય તંત્રને સુચના આપી છે. જેના પગલે આજથી જ કચ્છ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી વેગવાન કરી દેવાશે.