જગતના ચોકમાં સૂર્ય-ચંદ્ર અંધકારનો નાશ કરીને પ્રકાશ ફેલાવે છે, તે સંત-મહાપુરુષો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે, એવા જ પૂર્ણ વૈરાગી, ભક્તકવિ પૂ. હરિસાહેબ બાપુની 91મી નિર્વાણતિથિ તેમના સાધના આશ્રમ હિંગરિયા ખાતે ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાઇ હતી.આશ્રમના મહંત કલ્યાણદાસજી બાપુની હાજરીમાં યોજાયેલી ધર્મસભાને સંબોધતાં કમીજલાના જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે, સ્થિરતા પામવી એ પણ તપ-સાધના છે અને એ તપ-સાધનાથી મુક્તિનો માર્ગ મેળવી શકાય.
આજે એવા મહાપુરુષની નિર્વાણતિથિમાંથી ભક્તિરૂપી ગંગાનું નિર્માણ કરી જીવનમુક્તિની પ્રાપ્તિ કરવી જોઇએ. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ જણાવ્યું હતું કે, દીવામાં રહેલી જ્યોતને પ્રગટાવવા તેમાં તેલ પૂરવું પડે છે તેમ મનુષ્યના જીવનમાં જાગૃતતા કેળવવા સત્કર્મ અને ભજનરૂપી દિવાલ પૂરી અને જીવનને સાર્થક કરવું પડશે.
વિરાણી રામ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ જેવા ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે તેમાં જાગૃતતા કેળવવા સદ્ગુરુરૂપી મંત્રને સ્વીકારવું પડશે અને રવિભાણ સંપ્રદાય તથા મેકરણ પરંપરા એ એક જ સિક્કાની બે બાજુ છે અને જીવન સમાધિમાં સાહેબ તત્ત્વને પામેલી સિદ્ધિ એટલે હરિસાહેબ બાપુ અને તેમની જાગૃત જ્યોતના પ્રકાશને પામવા આવા મહાપુરુષના શરણે જવું પડશે.
મોરજરના દિલીપ રાજા કાપડીએ જણાવ્યું હતું કે, જાગતી જ્યોત સામે બેસવા માટે પાત્રતા મેળવવી પડશે. રાપરના ત્રિલોકનાદજી મહારાજે જણાવ્યું હતું કે, સત્કર્મને જીવનમાં ઉતારશો તો ધર્મ સુધી લઇ જશે. સંતો જાનકીદાસ બાપુ, અરજણદાસ બાપુ, મૌલિક સાહેબ, જગદીશદાસજી, કિશોરદાસજી મહારાજ, વિનેશ સાધુ, જગદીશ મહારાજ, કાનદાસજી બાપુ, મૈહીસાગિરિ, કાનજીદાદા કાપડી તથા આશાભારતી, ધનબાઇમા, લાછબાઇમા સહિતનાઓ મંચસ્થ રહ્યા હતા. સંચાલન વિરાણીના સુરેશદાસજી બાપુએ કર્યું હતું. પ્રારંભ મહંત કલ્યાણદાસજી બાપુના હસ્તે સમાધિ પૂજન બાદ ધર્મસભા અને બપોરે સેવકોએ ભંડારા પ્રસાદનો લાભ લીધો હતો. દેવાંધ ગઢવી, પાર્થ ગઢવી, કારૂભા જાડેજા, તખુભા દ્વારા ભજન-સંતવાણીના સૂર રેલાવ્યા હતા. સાંજે સંધ્યાઆરતી બાદ રાત્રે દેવરાજ ગઢવી, પુનશી ગઢવી, હરિ ગઢવી, શ્યામ ગઢવી, જયેશ ચૌહાણ, હરિૐ ગઢવી સહિતના કલાકારો દ્વારા સંતવાણી યોજાઇ હતી. કાર્યક્રમમાં બાલકનાથજી બાપુ, હરિસંગજી દાદા, નારાયણ જોષી, ભીમસેન મહારાજ, ડાયા ભગત, વિરમ ભગત સહિતના સંતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. વ્યવસ્થા આશ્રમના સેવકોએ સંભાળી હતી.