બનાસકાંઠાં જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરના લોકો ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. ખાસ કરીને ટ્રાફિક, પાર્કિંગ, પીવાના પાણી, ગટર, ગેર કાયદેસર દબાણો સહિતની અનેક સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે શહેરના પ્રશ્નોનું નિરાકરણ આવે અને શહેરનો વિકાસ વેગવંતો બને તે માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરી ખાતે અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ કલેક્ટર નેહા પંચાલ, ધારાસભ્ય પ્રવીણ માળી, શહેર મામલતદાર સંજય બોડાણા, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ધારાસભ્યએ શહેરની સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવે તે માટે વહીવટી તંત્રને જરૂરી સૂચના આપી હતી. જરૂર પડે સરકારમાં રજૂઆતો કરી શહેરની સુખાકારી માટે ત્વરિત કાર્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પણ તેઓના કામ અર્થે ધક્કા ખાવા ન પડે અને કામ ઝડપથી થાય તે માટે પણ સૂચનાઓ અપાઈ હતી.