માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ચેરિ. ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી કોરોનાની લહેર દરમ્યાન ઓક્સિજન બાટલાની લાવ લાવ વચ્ચે 750 બાટલાનું કિંમતી સાધનો સહિત વિતરણ કરાયું હતું અને આ સેવા વિસ્તારવા પ્રયાસો કરાઇ રહ્યા છે. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદ્મંત્રી નરેન્દ્ર સુરૂ, ખજાનચી ચંદ્રસેનભાઇ કોટક, પ્રોજેક્ટ ચેરમેન પુનિત શાહ લાકડાવાળા સહિતના ટ્રસ્ટીઓ અને સભ્યોના જણાવ્યા મુજબ ગોઝારો કોરોના શાંત થયા પછી પણ તજજ્ઞ ડોક્ટરોની સલાહ મુજબ દમ-અસ્થમા અને શ્વાસના દર્દીઓ તથા ગંભીર બીમારીનો ભોગ બનેલા દર્દીઓ માટે થોડા મહિનાઓમાં 115 ઓક્સિજન બાટલા અને રેગ્યુલેટર-નળી-પાના સહિત મફત ચેમ્બર દ્વારા અપાઇ રહ્યા છે. વાડીભાઇ તથા પુનિત શાહે રજિસ્ટરના આંકડા ટાંકીને જણાવ્યું કે, કોઇપણ જ્ઞાતિ-કોમના ભેદભાવ વિના દર્દી સાજો થાય ત્યાં સુધી 15થી 20 બાટલા મફત અપાય છે. જરૂરત પડે તો વધારે પણ આપીએ છીએ જેમાં માંડવી શહેર અને તાલુકાના ગામડાઓમાં તથા મુંદરા તા.ના ભુજપુર સુધીના દર્દીઓને વિતરણ કરાય છે. ફરી પાછા કોરોનાના કેસ આવતાં નવા 25 બાટલાનો સ્ટોક વધારવા પ્રયાસ કરાય છે.
સિનિયર સભ્યો ગ્રુપ લીડર અરવિંદભાઇ ગાલા તથા જેન્તીભાઇ શાહે જણાવ્યું કે, દરેક જગ્યાએ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે દરેક ઘરમાં ઓક્સિજનનો એક બાટલો અચૂક રાખવો જોઇએ. અત્રે યાદ આપવું જરૂરી છે કે, અમેરિકા સ્થિત ડો. વિજયભાઇ શાહે દર્દીઓને આજીવન બાટલા મફત આપી શકાય તે માટે માંડવી ચેમ્બરને રૂા. 20,00,000નું દાન આપ્યું છે જેનો યશ મહેશભાઇ લાકડાવાળાને જાય છે.