મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ફ્લાવર શૉ 2023’ નો શુભારંભ કરાવ્યો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અહીં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલોમાંથી બનેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ જેવા આકર્ષક સ્કલ્પચરને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું છે ત્યારે આજથી મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. રુ. 30 ટિકિટ લઈને એન્ટ્રી લઈ શકાય છે. ફ્લાવર શો પાછળ 2 કરોડથી વધુનો ખર્ચ પણ કરાતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરના ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે "ફ્લાવર શો"નું આયોજન કરવામાં આવ્યું છે.
ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ભીડ ન થાય તે માટે 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે 2 વાગ્યાથી બંધ રહેશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન બાદ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આજે બપોરે 12 વાગ્યા બાદ ફ્લાવર શોમાં લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 12 વર્ષથી ઉપરના પ્રવેશ માટે રૂ. 30 ફી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે અલગ ટિકિટ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જો કે, સ્કૂલના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. ફ્લાવર શો ગત વખતે કોરોનાના કારણે યોજાઈ શક્યો નહોતો પરંતુ આ વખતે ફ્લાવર શોનું આયોજન કરાયું છે. અમદાવાદીઓ મોટી સંખ્યામાં ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. આજે શનિવાર અને આવતી કાલે વીકએન્ડ હોવાથી મોટી સંખ્યામાં આજથી જ લોકો ફ્લાવર શોની મુલાકાત લેશે. અહીં અવનવા આકર્ષણો લોકોને ફ્લાવર શોના જોવા મળશે. જેમાં એકથી અનેક રંગબે રંગી ફૂલો જોવા મળશે.
મુખ્યમંત્રી એ દેશ-વિદેશના ફૂલોમાંથી તૈયાર કરાયેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, ‘G-20 સમિટ’ જેવી વિવિધ થીમ પર તૈયાર કરાયેલ શિલ્પાકૃતિઓ નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘ફ્લાવર શો’ ના સુંદર આયોજન બદલ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રશંસા કરી હતી તેમજ અમદાવાદના પ્રકૃતિપ્રેમી નગરજનોને આ સુંદર ‘ફ્લાવર શો’ ની મુલાકાત લેવા આગ્રહભરી અપીલ કરી હતી.