ડીસા જી આઇ ડીસી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના દરોડા,..
મસાલા ફેક્ટરી માં દરોડા પાડી મરચુ, હળદરના સેમ્પલ લેવાયા..
ડીસા જીઆઇડીસી વિસ્તારમાં અનેક ફેક્ટરીઓમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ તેમજ ડુપ્લીકેટિંગ થતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં એક મસાલાની ફેક્ટરીમાં દરોડા પાડી મરચાં અને હળદરના સેમ્પલ લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી ડીસા વિસ્તારમાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની ખાદ્યચીજો તેમજ બીડી, માચીસ, કોસ્મેટીક આઈટમો સહિત અનેક ચીજ વસ્તુઓની બનાવટમાં ભેળસેળ તેમજ ડુપ્લીકેટિંગ કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે. ત્યારે ડીસાના જાગૃત નાગરિકે આ બાબતે ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી..
જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બહુચર ફુડ પ્રોડક્ટ નામની મસાલા ફેક્ટરીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી મરચાં અને હળદરના સેમ્પલ લઇ કેટલોક જથ્થો સીઝ કર્યો હતો.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર એમ. એલ. ગુર્જરના જણાવ્યા મુજબ, ખાદ્યચીજોમાં ભેળસેળ થતું હોવાની ફરિયાદના આધારે બહુચર ફૂડ પ્રોડક્ટ નામની મસાલા ફેક્ટરીમાં તપાસ હાથ ધરી મરચા અને હળદરના સેમ્પલ લેવાયા છે. આ સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલવામાં આવશે જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.