વિસનગર:  વિસનગર શહેરમાં પોલીસે લાલ દરવાજા પાસે ચંદ્રવિલાસ હોટલની બાજુમાં બાતમીના આધારે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. જેમાં પોલીસે તે શખ્સ પાસેથી જુગાર સાહિત્ય કબજે લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિસનગરમાં શહેર પોલીસ સ્ટેશનના આ.પો.કો કલ્પેશ મનુભાઈ, આ.પો.કો મહેશ વેલજીભાઈ, આ.પો.કો કીર્તિસિંહ પ્રવિણસિંહ, આ.પો.કો હાદીપસિંહ તખતસિંહ વગેરે સ્ટાફના માણસો એ વિસનગર ટાઉન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પટણી દરવાજા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બલોચ મોઈનખાન ઉસ્માનખાન રહે. ગટીયાવાસ, વિસનગર એ લાલ દરવાજા પાસે ચંદ્ર વિલાસ હોટલની બાજુમાં વરલી મટકાનો જુગાર રમાડે છે. તે હકીકતને આધારે તે વિસ્તારમાં જઈ રેડ કરતા વરલી મટકાનો જુગાર રમાડતા બલોચ મોઈનખાનને ઝડપી લીધો હતો. જેની પાસેથી પોલીસે રોકડ રકમ રૂ.1120 તેમજ જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લીધો હતો. આમ વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈ તેની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.