ડીસા તાલુકાના વાસડા ગામે અઠવાડિયા અગાઉ ચૂંટણીની અદાવતમાં ગઈકાલે બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા આઠ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તોના સમાચાર લેવા જતા યુવક પર પણ ટોળાએ હુમલો કર્યો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે મામલે બંને પક્ષના લોકોએ સામસામે કુલ 18 લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા તાલુકાના વાસડા ગામે અઠવાડિયા અગાઉ ચૂંટણીની અદાવતમાં માળી અને ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં બંને જૂથ વચ્ચે ધારિયા, ધોકા અને લાકડીઓ વડે સામસામે માર મારી થતા આઠ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે સમયે હિતેશ માળી નામનો યુવક તેમના સમાજના ઇજાગ્રસ્ત લોકોના સમાચાર લેવા માટે હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. તે સમયે સામેના જૂથના ટોળાએ આવી આ યુવકને પકડી તેને મુક્કા અને લાતોથી માર મારી હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી. હવે સીસીટીવી સામે આવતા જ પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે. આ જૂથ અથડામણમાં સામસામે કુલ 18 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.