વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક..
સિંચાઈ માટે નર્મદા કેનાલ છોડતા પાણી મામલે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી..
વરસાદી પાણી ભરાતાં ખાનપુર, ડોડગામ, નાગલા, ભાપી અને ભાકોદર ગામની મુલાકાત લઈ પાણી નિકાલ અંગે સ્થળ પર અધિકારીઓ સાથે કરી ચર્ચા..
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી ત્રણ દિવસ માટે પોતાના મતવિસ્તાર થરાદની મુલાકાતે છે. અધ્યક્ષ બન્યા બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં થરાદ પહોંચેલા શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રથમ દિવસથી જ પ્રજાની સુખાકારી માટેના કામ હાથ ધર્યા છે. મત વિસ્તારમાં નાગરિકો પોતાના પ્રશ્નો મામલે ધારાસભ્યશ્રીને વ્યક્તિગત રજૂઆત કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ તેમના મત વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ માટે સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથધરી છે..
થરાદ વિસ્તારમાં નર્મદાનું પાણી સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન છે. આ વિસ્તારમાં પીવાના પાણીથી લઈ સિંચાઈ માટે લોકો નર્મદાના પાણી પર જ નિર્ભર છે. જેથી આજે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પોતાના મતવિસ્તારમાં નર્મદાના પાણી ખેડૂતોને કઈ રીતે આપવામાં આવે છે..
પીવાના પાણીની કઈ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની વિસ્તૃત ચર્ચા માટે નર્મદાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં સિંચાઈ આપવામાં આવતા પાણીની વિગતો મેળવી પિયત માટે ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સુચારૂ કરવા નર્મદા નિગમના અધિકારીઓને સૂચન કર્યા હતા..
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના મતવિસ્તાર થરાદમાં ખાનપુર, ડોડગામ, નાગલા, ભાપી અને ભાકોદર ગામમાં ભરાતાં વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે સ્થળ મુલાકાત કરી હતી. આ ગામોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાતાં મોટી સમસ્યા ઉભી થાય છે..
વરસાદી પાણી ભરાતા બેટમાં ફેરવાતા ગામોની મુલાકાત લઈ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી નર્મદાના અધિકારીઓ સાથે ખાનપુર અને ડોડગામના સ્થળ પર જ નર્મદા નિગમના અધિકારીઓ સાથે વરસાદી પાણીનો નિકાલ માટે શું પ્લાનિંગ કરી શકાય તેની ચર્ચા કરી હતી..
જેથી આગામી વરસાદી સિઝનમાં આ વિસ્તારમાં પાણી ન ભરાય. વરસાદી પાણી ભરાતાં ગામમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
પોતાના મત વિસ્તાર વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પ્રવાસ દરમ્યાન આજે થરાદ વિશ્રામ ગૃહ ખાતે મત વિસ્તારના નાગરિકોએ પોતાના પ્રશ્નો મામલે સીધો સંવાદ અને રજૂઆત કરી હતી..
જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ જીલ્લામાંથી આવેલા આગેવાનોએ નવનિયુક્ત અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના મત વિસ્તારના ગામડાઓની મુલાકાત લઇ નાગરિકોની સમસ્યાઓ જાણી હતી. વિધાનસભાના અધ્યક્ષશ્રી ના પ્રવાસ દરમિયાન તેમની સાથે થરાદ મતવિસ્તારના આગેવાનો અને અધિકારીઓ પણ જોડાયા હતા.