આદિપુરમાં 80 લાઇન સામે સરકારી શાળા પાસે લોકોને ઓનલાઇન આંકડો રમાડતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 17,660 જપ્ત કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બી.એ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આદિપુરની 80 લાઇન સામે સરકારી શાળા નજીક જય ભવાની ટી હાઉસ પાસે કાર્યવાહી કરી હતી. અહીં ઊભેલા સુખદેવ ભીમશી ગઢવી અને મૂળજી હરધોર ગઢવી નામના શખ્સો ઓનલાઇન આંકડો લેતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ બંને શખ્સોએ સટા મટકા, ડીપી બોસ કલ્યાણ મટકા રિઝલ્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના થકી લોકોને આંકડો રમાડતા હતા તેમજ વ્હોટ્સએપમાં રમેશ રાજા તથા બી.આર.ઓ. નામના ફોલ્ડર (ગ્રુપ) બનાવી તેમાંથી લોકો પાસેથી મટકાના સિંગલ, જોડી, પન્ના વગેરે આંકડા લેતા હતા. આ બંનેની એલ.સી.બી.એ ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂા. 17,660 તથા બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 27,660નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સો ઉપર કોઇને આંકડો ન લખાવતા હોવાનું બહાર આવ્યું હતું. એલ.સી.બી.ની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ પડી હતી.'