*ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓની પ્રામાણિકતાની અનોખી મિશાલ:*

--------

*છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર ૧૦૮ સ્ટાફે રૂા. ૫૦ હજાર ત્રણસો વીસ રૂપિયા જેવી માતબર રકમ તથા ઓપો કંપની નો મોબાઇલ ફોન ઇજાગ્રસ્તને સાભાર પરત કરાયા*

*૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે*

---------

ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે પ્રખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાની પાવીજેપુરના ૧૦૮ સ્ટાફે રૂા. ૫૦ હજાર ત્રણ સો વીસ રૂપિયા જેટલી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

આ રીતે ૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા ૧૦૮ ની ટીમ પૂરાં પાડી રહી છે.

આ કોરોનાને કપરાં સમયગાળામાં સતત વધતી જતી પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવાં માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેના દ્વારા તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાં મથતો હોય છે. આવી જ મહેનત દ્વારા માંડ કમાયેલાં રૂપિયા કોઇ લઇ જાય તો તેવા પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. આવો પરિવાર રોડ પર આવી જાય.

પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપાં કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને છોટાઉદેપુર જિલ્લા ની પાવીજેતપુર ૧૦૮ ની ટીમે કુદરતના દેવદૂત બનીને રૂા. ૫૦ હજાર ત્રણ સો વીસ રૂપિયા જેટલી રકમ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી છે. 

આ કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાની પાવીેતપુર ૧૦૮ ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ મોડી રાત્રે આવ્યો હતો. જેમાં એક બાઈક ચાલક યુવાન જબુગામ પાસે અકસ્માત નડતાં બાઇક પર થી પડી જતાં યુવક ઘાયલ થઇ ગયો હતો.

આ અકસ્માતની ઘટનાની જાણ છોટાઉદેપુર જિલ્લા ની ૧૦૮ પાવીજેતપુર ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ૧૦૮ ના ઇ.એમ.ટી વિજયભાઈ પરમાર અને પાયલોટ સતિષભાઈ રાઠવા ઘાયલ યુવાને સારવાર સહિત નજીક ની હોસ્પીટલ જબુગામ દાખલ કરાયો હતો.

વધુ તપાસ કરતાં ધાયલ દર્દી ના ૫૦ હજાર ત્રણ સો વીસ રૂપિયા જેવી મોટી રકમ તેમજ એક ઑપો કંપની નો મોબાઈલ મળી આવ્યા હતાં. 

આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ. 

તેઓ ઘાયલ યુવાન મજીદ ખાન અબ્દુલ ખાન પઠાણ ને તાત્કાલિક સારવાર માટે સામૂહિક કેન્દ્ર જબુગામ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યારબાદ યુવાનને બોડેલી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના ભાઈ સકિલ ભાઈ પઠાણ નો સંપર્ક કરી તેમને યુવક પાસેથી મળેલ ૫૦ હજાર ત્રણ સો વીસ રૂપિયા ની રોકડ રકમ તેમજ ઓપો કંપની નો મોબાઈલ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.

૧૦૮ ના જિલ્લા અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ ની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓને નિષ્ઠાને પણ સો- સો સલામ છે....

-----------