કડીમાં જાણે હળ હળતો કળિયુગ આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. પતિએ પોતાની પત્નીને કહ્યું કે તારા બંને દીકરાઓ કમાય છે તો હવે હપ્તો ભરવાનું કરે તેવું કહેતા જ પોતાની જ પત્ની પતિને ફરી વળી હતી. જ્યાં બંને દીકરાઓ આવી જતા પોતાના સગા બાપ ઉપર ટોમી વડે હુમલો કરતા આધેડને ઇજાઓ પહોંચી હતી. જ્યાં આધેડને ભાગ્યોદય હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધી હતી. ત્રણ ઈસમો પર પોલીસે ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલા સંતરામ સિટીમાં રહેતા કૌશિક પટેલ કે જેઓ કડી તાલુકાના રાજપુર ગામ ખાતે સબ સ્ટેશન ઝાટકોમાં આસિસ્ટન્ટ ઓપરેટર તરીકેની નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. તેઓ ઘરે હાજર હતા જ્યાં તેમની પત્ની સાથે બેઠા હતા અને પોતાની પત્ની મંજુલાને કહ્યું કે, જે તે વખતે આપણે મકાન ખરીદ્યું હતું તે વખતે આપણે 70 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. તો તારા બંને દીકરાઓ હવે કમાય છે તો હપ્તા ભરવાનું કેમ કહેતી નથી. આટલું કહેતા જ કૌશિકની પત્ની ઉશ્કેરાઈને બોલા ચાલી તેમજ જપાજપી કરવા લાગી હતી.

તે દરમિયાન ઘરની અંદર હાજર રહેલા તેમના મોટા દીકરાની પત્નીએ તેમના પ્રિયંક નામના દીકરાને બોલાવ્યો હતો અને જે આવતાની સાથે જ પોતાના બાપ પર ઉશ્કેરાઈ જઈને જપાજપી તેમજ ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. જ્યાં કૌશિકભાઈએ બુમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને મારમાંથી બચાવી લીધા હતા. કૌશિક પટેલ મારમાંથી બચીને કડી પોલીસ સ્ટેશન ખાતે પોતાનું બાઈક લઈને જતા હતા. જે દરમિયાન સોસાયટીના નાકે તેમનો નાનો દીકરો અવિનાશ બાઈક લઈને આવ્યો હતો અને મને બૂમ પાડીને ઉભું રહેવાનું કહ્યું હતું. પરંતુ કૌશિકભાઈ ઊભા ન રહેતા તેમનો દીકરો અવિનાશ પીછો કરીને કૌશિકભાઇને હાથના ભાગે લોખંડની ટોમી વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી પણ કૌશિકભાઈ બાઈક લઈને જતા રહ્યા હતા.

એલઆઈસી ઓફિસ પાસે પહોંચતા તેમનો દીકરો બાઈક લઈને આવી પહોંચ્યો હતો અને ચાલુ બાઈકે લાત મારીને તેઓને નીચે પાડી દીધા હતા અને ગડદા પાટુનો માર માર્યો હતો. જ્યાં કૌશિકભાઈએ તેમની ઓફિસની અંદર નોકરી કરતા સ્ટાફને ફોન કરીને જણાવ્યું હતું અને કૌશિકભાઈ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને તેમને હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા. જ્યાં કૌશિકભાઈએ તેમના બંને દીકરા અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.