હિંમતનગરના ગાંભોઈ ગામના એક ખેતરમાંથી દાટી દીધેલી બાળકી મળવાનો કેસ
પોલીસે આરોપી માતા-પિતાને કડીના નંદાસણમાંથી ઝડપી પાડ્યા, તપાસ હાથ ધરી
અધૂરા માસે જન્મેલી બાળકીની હાલત હજુ પણ નાજુક હોવાથી સારવાર હેઠળ
હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગર માં આવેલા ગાંભોઈ ગામના એક ખેતરમાંથી નવજાત બાળકી દાટેલી દીધેલી હાલમતાં મળી આવી હતી. ખેતરમાં કામ કરતી એક ખેતમજૂર મહિલાએ જમીન હલતા જોઈ અને તે ડરી ગઈ હતી. બાદમાં બૂમાબૂમ મચાવી દેતા લોકો એકઠા થયા હતા. એ પછી જમીન ખોદવામાં આવી તો લોકો ચોંકી ગયા હતા. જમીનમાંથી એક જીવતી નવજાત બાળકી (Newborn Baby Found from farm) મળી આવી હતી. બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસે (Himatnagar News) ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીના જ કલાકોમાં આરોપી માતા-પિતાને કડીમાંથી ઝડપી પાડ્યા હતા. આ કૃત્ય આચરનારા આરોપી મા-બાપની વાત સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ખેતરમાં દાટી દીધી હતી બાળકી
હિંમતનગરના ગાંભોઈ ગામના એક ખેતરમાંથી નવજાત બાળકી દાટેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ આ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દાટેલી દીધેલી હાલતમાં બાળકી મળી આવતા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. બનાવની જાણ પોલીસ અને 108ને કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ સાબરકાંઠા પોલીસે મોડી રાત્રે બાળકીના માતા-પિતાને કડીના નંદાસણમાંથી ઝડપી પાડ્યા હતા.
ગાંધીનગરના માણસામાં રહે છે દંપતી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બાળકીને દાટી દેવાના કિસ્સામાં પોલીસે નંદાસણમાંથી આરોપી માતા-પિતાને ઝડપી પાડ્યા છે. આ દંપતી ગાંધીનગરના માણસામાં રહે છે. આ દંપતી છેલ્લાં પંદર દિવસથી સાબરકાંઠાના ગાંભોઈમાં આવેલા ચામુંડાનગરમાં સાસરીમાં આવ્યું હતું. આરોપી દંપતીએ આ હિચકારી ઘટનાને કેમ અંજામ આપ્યો એ જાણવા પોલીસે વધુ પૂછપછ હાથ ધરી છે. આ ઘટના બાદ સાબરકાંઠા પોલીસે ટીમ બનાવીને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. તો આ ચકચારી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બાળકીની સ્થિતિ હજુ પણ નાજુક
જો કે, આ બાળકી ખેતરમાં દાટી દીધેલી હાલતમાં જીવિત મળી આવી હતી. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના ડૉક્ટર દિલીપ નિનામાએ જણાવ્યું કે, બાળકીનો જન્મ અધૂરા માસે થયો હતો. 6થી 7 મહિને બાળકીને જન્મ થયો હતો અને તેનું વજન એક કિલો છે. હાલમાં બાળકીની સ્થિતિ થોડી નાજુક છે. બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જેથી તેની એ મુજબની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બાળકીમાં ચેપના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. જેથી તેને એન્ટિબાયોટિક દવાઓ પણ આપવામાં આવી રહી છે.
કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો
મહત્વનું છે કે, જ્યારે બાળકી મળી ત્યારે તેની પરિસ્થિતિ જોતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર શરુ કરી દેવામાં આવી હતી. 108ના સ્ટાફ દ્વારા BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નવજાત બાળકીને ખેતરમાં દાટી દીધી હોવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો પણ બાળકીની આવી સ્થિતિ કરવા બદલ મા-બાપ પર ફિટકાર વરસાવી રહ્યા હતા. ત્યારે આ કેસમાં હાલ આરોપી દંપતીને પોલીસે ઝડપાઈ ગયું છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.