છોટાઉદેપુર જિલ્લામાં એસએસસી અને એચએસસીનું પરિણામ ખૂબ ઓછું આવતું હોય ત્યારે પરિણામ સુધારણા માટે શું કરી શકાય તે હેતુસર પાવીજેતપુર હાઇસ્કુલમાં એસવીએસ કક્ષાની પરિણામ સુધારણા શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવીજેતપુર તથા બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાનના વિષય શિક્ષકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં એસએસસી અને એચએસસીમાં જે ગણિત વિજ્ઞાનનું પરિણામ આવે તે જ પરિણામ શાળાનું હોય છે. અને ગણિત, વિજ્ઞાન આ વિસ્તારના બાળકો માટે ખૂબ અઘરું પડતું હોય જેને લઇ એસએસસી અને એચએસસીનું પરિણામ ખૂબ નબળું આવે છે. ત્યારે આ પરિણામને સુધારવા માટે ગણિત, વિજ્ઞાનનું જ પરિણામ સુધારવું પડે તેથી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પાવીજેતપુર હાઇસ્કુલ માં એસવીએસ કક્ષાની પાવીજેતપુર તેમજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાનના વિષય શિક્ષકોને અગાઉથી જાણ કરી પરિણામ સુધારણા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત શિક્ષકોએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કેવી રીતે બાળકોને પાસિંગ માર્કસ લાવી શકાય તેની સુંદર રજૂઆતો કરવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત ગણિતના શિક્ષકોએ જણાવ્યું હતું કે કેટલાક ચેપ્ટરો એટલા સરળ છે કે જો તે તૈયાર કરી દેવામાં આવે તો બાળકો આરામથી પાસ થઈ શકે જેમ કે સમાંતર શ્રેણીમાંથી ૮ ગુણ નું, આકડાશાસ્ત્રમાંથી ૧૪ ગુણ, સંભાવના ચેપ્ટરમાંથી ૧૦ ગુણ તેમજ પ્રમેય અને રચના ૧૬ ગુણ મળી કુલ ૪૮ ગુણ સહેલાઈથી તૈયાર કરી શકાય જેમાંથી બાળકો પાસીગ ગુણ ૩૩ મેળવી આરામથી પાસ થઈ શકે. આ સમયે એસ.વી.એસ કન્વીનર સંજયભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે બાળકોને વધુમાં વધુ પેપર સોલ્વ કરાવી લખવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે તો તે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
આમ, પાવીજેતપુર હાઈસ્કૂલમાં પાવીજેતપુર તેમજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાસ થવા માટે જરૂરી એવા ૩૩ ગુણ કેવી રીતે સહેલાઈથી મેળવી પરિણામ સુધારણા કરી શકાય તે માટેનું સુંદર આયોજન રજૂ કર્યું હતું.