કડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે અને એક જ વિસ્તારના 10થી પણ વધારે મકાનોના તાળા તોડી તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે કડી પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને સોસાયટીઓમાં પોલીસ તેમજ જીઆરડીઓના પોઇન્ટોમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ઘરફોડ ચોરીના બનાવમાં વધારો જોવા મળતા ખુદ મહેસાણા જિલ્લાના પોલીસ વડા અચલ ત્યાગી પણ કડી ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

કડી શહેરના નાની કડી વિસ્તારમાં આવેલા કૌશલ્ય બંગ્લોઝ સંતરામ સીટી તેમજ શિવ પેલેસ સોસાયટીમાં ચડ્ડી-બનિયાન ધારી ગેંગે તરખાટ મચાવ્યો હતો અને સંતરામ સિટીમાં તસ્કરો દ્વારા પથ્થરમારો કરાતાં એક સિક્યુરિટીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને ચાર ટાંકા આવતા જ કડી પોલીસ દોડતી થઈ ગઈ હતી. જે કારણે પોલીસ વડા અચલ ત્યાગી કડી ખાતે દોડી આવ્યા હતા અને સ્થળની મુલાકાત કરી હતી. કડીમાં ચડ્ડી-બનિયાન ધારી ગેંગનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે SP, DYSP,LCB, SOG સહિત પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો અને વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી અને ચડ્ડી-બનિયાન ધારી ગેંગને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.

​​​​​​​​​​​​​​શિયાળાની કડકડતી ઠંડીની હવે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફરી તસ્કરો સક્રિય થયા હોય તેવું જોવા મળી રહ્યું છે અને કડી પંથકમાં તસ્કરોનો કહેર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ હવે કડક હાથે પગલાં લઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી પોલીસ એલસીબી તેમજ એસઓજી દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને સોસાયટીઓમાં પોલીસ તેમજ GRDના પોઇન્ટમાં પણ વધારો કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં વિવિધ સોસાયટીઓના લોકો પણ જાગૃત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. સોસાયટીએ-સોસાયટીએ અલગ અલગ ટીમો બનાવીને લોકો પોતાના ઘરોની રખવાળી કરી રહ્યા છે. તેમજ કડી પોલીસ દ્વારા વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે અને શકમંદોની પૂછતાછ પણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા છેલ્લા બેથી ત્રણ દિવસથી અલગ અલગ ટીમો બનાવીને નાઈટ પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.