ગાંધીનગર : અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશન નેટવર્ક ચલાવતા અને ત્રણ ગુનામાં ફરાર ગાંધીનગરના ભરત ઊર્ફે બોબી પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો છે. ભરત ઉર્ફે બોબી પટેલ પાસેથી પોલીસે 94 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ કબજે કર્યા છે. બોબી સામે ગાંધીનગર, દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં બોગસ પાસપોર્ટ બનાવવાના ગુનાઓ નોંધાયેલા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાં સીધા સુપરવિઝન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના પ્રોહીબીશન, જુગાર તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્ક્સ બાતમી મળી હતી કે, અમદાવાદ દરિયાપુર પોલીસ મથકમાં વર્ષ 2021માં જુગાર ધારા કલમ-4,5 તથા ઈ.પી.કો.કલમ-269 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ-51(બી) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલ, (રહે.બંગ્લા નં-85, સુપરસીટી ગ્લોરી, ભાડજ સર્કલ, અમદાવાદ) ગાંધીનગર ખાતે આવ્યો છે.આ બાતમીના પગલે ટીમના માણસોએ ગાંધીનગર ખાતેથી ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી કે ટી કામરીયાએ જમાવ્યું હતું કે, આરોપી વિરૂધ્ધ વર્ષ-2022 માં અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ મથક તથા સી.આઈ.ડી. ક્રાઈમ ઉપરાંત ગાંધીનગરમાં બોગસ પાસપોર્ટ બનાવવા અંગેના ગુનાઓ દાખલ થયા છે.

ઉપરોક્ત ગુનામાં ભરત પટેલ નાસતો ફરતો હતો. જેનાં વિરુદ્ધમાં કલકત્તા, મુંબઈ અને દિલ્હી ખાતે પણ કબુતરબાજીના ગુનાઓ દાખલ થયા છે. આ આરોપી ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં મોકલવાનું કબુતરબાજીનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યો છે. જેની ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં ભરત પટેલે ખોટા પાસપોર્ટ તેમજ વિઝા માટે ખોટા દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનુ નેટવર્ક ચલાવતો હતો.જેની ચાંદલોડીયા તેમજ ગુજરાત વિદ્યાપીઠ પાછળ, વાડજ, અમદાવાદ ખાતેની ઓફીસોએ સર્વ-તપાસ કરતાં કુલ-94 પાસપોર્ટ મળી આવેલ છે તેમજ 2 લેપટોપ તથા યુરોપીય દેશોના સેન્સેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો મળી આવેલ,જે દસ્તાવેજો તપાસના કામે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.