વિસનગર તાલુકાના ભાન્ડુપૂરા હાઇવે રોડ પર ગાડી ચાલકે રોડ ક્રોસ કરતા બે યુવકોને ટક્કર મારતા બન્ને યુવકો નીચે પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મરણ જનાર યુવકના કાકાએ ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તાલુકાના ભાન્ડુપૂરા હાઇવે રોડ પર મનુજી સરદારજી ઠાકોર અને છોટુ તિવારી નામના બંને યુવકો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મહેસાણા તરફથી આવતી એક ટિયુવી મહિન્દ્રા કંપનીની ગાડીના ચાલકે ટક્કર મારતા બન્ને જણા રોડ પર નીચે પટકાયા હતા. જેમાં મનુજી સરદારજીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ બીજો યુવક છોટુ તિવારીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગાડી ચાલક ટક્કર મારી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. મનુજી ઠાકોરનું અકસ્માતમાં મોત થતા તેમના કાકા રમણજી ઠાકોરે ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.