સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આગામી તા. 8મી ડિસેમ્બરે હાથ ધરાશે. સુરત શહેર જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠકોની મતગણતરી બે સ્થળો પર હાથ ધરવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને સમયસર પૂરી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આજે તમામ પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો. સુરત શહેર જિલ્લાની તમામ બેઠકોનું રાઉન્ડવાર પરિણામ સ્થળ પર જ મોટા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવામાં આવશે. એટલું જ નહીં દરેક રાઉન્ડના અંતે પરિણામ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર પણ જોવા મળી શકશે.

તા. 8મીએ સવારે 8 કલાકે શરૂ થનારી મતગણતરીની પ્રક્રિયામાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે એ પછી કન્ટ્રોલ યુનિટમાં દર્જ થયેલા મતોની ગણતરી કરવામાં આવશે. મતગણતરીના સ્થળો પર ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ કોઇપણ સંજોગોમાં મોબાઇલ ફોન કે અન્ય સંદેશા વ્યવહારના સાધનો સાથે પ્રવેશ આપવામાં નહીં આવે. સુરત શહેરની લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં આ વખતે સૌથી વધુ ઉમેદવારો હતા, આથી દરેક મતદાન બૂથો પર ત્રણ ત્રણ બેલેટ યુનિટ મૂકવામાં આવ્યા હતા. આ વખતે પ્રથમ વખત લિંબાયત વિધાનસભાની મતગણતરી માટે એક નહીં બબ્બે હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.