ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨નું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન ગઈકાલ તા.૫/૧૨/૨૦૨૨ના રોજ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને જિલ્લાની જનતા દ્વારા જંગી મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ. મશીનમાં કેદ કર્યું છે તે મતદાન કરેલા તમામ ઇ.વી.એમ. હવે મતગણતરીના દિવસે એટલે કે તારીખ ૮/૧૨/૨૦૨૨ના રોજ મતગણતરી હાથ ધરાશે તે માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ મતદાન કરાયેલા તમામ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના ઇ.વી.એમને હિંમતનગર સરકારી પોલીટેકનીક ખાતે લાવવામાં આવ્યા છે જેનો ૨૪ કલાક સઘન સુરક્ષા પહેરો રાખવામાં આવી રહ્યો છે અને સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સી.સી.ટી.વી કેમેરા ઉપરાંત ત્રિ-સ્તરીય સુરક્ષા રાજ્ય પોલીસ જિલ્લા પોલીસ વ્યવસ્થા ઉપરાંત કેન્દ્રમાંથી આવેલી બી.એસ.એફના જવાનો દ્વારા સ્ટ્રોંગરૂમની દિવસ-રાત હથિયાર સાથે સુરક્ષા કરી રહ્યા છે.
સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાનાર છે તેની આજે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા મુલાકાત લઈને નિરીક્ષણ કરી સુરક્ષા અને મતગણતરી માટે ઉભી કરાયેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દિવસમાં બે વાર સ્થળની મુલાકાત લેવાની હોય છે અને ચાંપતી નજર રાખવાની હોય છે જે સંદર્ભે રૂબરૂ મુલાકાત અને નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી કરી રહ્યા છે અને જે કંઈ જરૂરી સુચના જણાય તો સંબંધીતને આપતા રહે છે. આર.ઓઅને ઓબર્ઝવર પણ આ સ્થળની નિગરાની રાખી રહ્યા છે. આમ સમગ્રતયા કડક નિગરાની અને મોનીટરિંગ કરી રહ્યા છે.
રાજકીય પક્ષોને પણ બહાર મંડપ બાંધીને તેઓ પણ ૨૪ કલાક સી.સી.ટી.વી ફૂટેજ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સઘન અને સતત દેખરેખ અને મુલાકાત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવશે અને પ્રવેશ પાસ વિના કોઇને અંદર જવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. અધિકૃત કરેલ વ્યક્તિઓ જ અંદર પ્રવેશ કરી શકશે.