મહિસાગર જિલ્લાની 122-લુણાવાડા વિધાનસભા બેઠક પરના તમામ બુથ પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વહેલી સવારથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે. આ મતદાનની પ્રક્રિયા વચ્ચે એક જોગાનું જોગ એક ઘટના સામે આવી છે. જેમાં ખાનપુર તાલુકાના માહિર ખાન પઠાણ નામક યુવાનના આજે લગ્ન હતા. જેથી યુવક અને તેના પરિવાર માટે આજે એક સાથે બે પ્રસંગો ઉજવવાનો લ્હાવો મળ્યો હતો. જેથી યુવકે પહેલા મતદાન અને પછી લગ્ન માટે જવાનો નિર્ણય કર્યો હતો.
પોતાએ કરેલા નિર્ણય સાથે વરરાજા પોતાની જાન જોડી બેડ વાજા સાથે બગીમાં બેસી ઘરેથી ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન બુથ પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તમામ લોકોને મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે બુથ પરના તમામ કર્મચારીઓએ વરરાજાને નવા જીવનની શરૂઆત પહેલા અભિનંદન પાઠવ્યાં હતા અને તેમના નિર્ણયને આવકાર્યો હતો.