ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠા જીલ્લામાં ઈલેક્શન ડ્યુટી માટે ફાળવવામાં આવેલી વાહનોમાં GPS સિસ્ટમ લગાડાઈ છે. ચૂંટણીમાં ઉપયોગ થનારા વાહનોમાં EVM તેમજ VVPAT ની ફાળવણી સાથે કર્મચારીઓ બુથ પર જવા રવાના થશે એ તમામ વાહનોનું કન્ટ્રોલ રૂમમાંથી સીધું અને સતત મોનિટરીંગ કરાશે. આ કામગીરીમાં કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ અધિકારીની દેખરેખ હેઠળ થસે. એક પાળીમાં પાંચ કર્મચારીઓ કાર્યરત રહેસે. કંટ્રોલરૂમમાં સ્ક્રીન, કમ્પ્યુટર, ટેલિફોન, ઈન્ટરનેટ સહિત GPS ટ્રેકિંગની સુવિધાઓ ગોઠવી કંટ્રોલરૂમને સજ્જ કરાયો છે. બનાસકાંઠા જીલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. મતદાન પ્રક્રિયામાં EVM મશીનનો ઉપયોગ થવાનો હોવાથી દરેક ચૂંટણીમાં EVM મશીનની જવાબદારી મહત્ત્વપૂર્ણ હોય છે, ત્યારે EVM લઈ જતાં વાહનો અને ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા વાહનોનું સતત અને સીધું નિરીક્ષણ કરી શકાય એ માટે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અધિકારી આર.એમ.ઝાલાની નિરીક્ષણ હેઠળ કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમની આજે જીલ્લા કલેકટર આનંદ પટેલે મુલાકાત લઈ કન્ટ્રોલ રૂમની માહીતી મેળવી હતી. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદારને પોતાના મતાધિકારનું રક્ષણ મળે એ માટે EVM અને VVPAT મશીનોની સુરક્ષા બહુ જરૂરી ગણાય છે. જેથી EVM / VVPAT મશીનો લઈ જતાં તમામ વાહનોને GPS ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરાઈ છે. આ સિસ્ટમથી કંટ્રોલ રૂમમાંથી મતદાન મથકો સુધીના માર્ગો પર વાહનો અને ગાડીઓનું ટ્રેકિંગ કરાશે અને વાહનોનું લોકેશન મેળવી શકાશે. તથા ગતિવધિઓ જાણી શકાય.