વિસનગર તાલુકાના છોગાળા ગામનો પરિવાર ગામમાં ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા તેમજ ભોજન સમારંભમાં ગયો હતો તે દરમિયાન તેમના બંધ મકાનનો નકૂચો તોડી અંદર ઘૂસેલા તસ્કરો તિજોરીમાંથી 21 તોલા સોનાના તેમજ ચાંદીના દાગીના મળી રૂ.9.54 લાખની મત્તા ચોરી ગયા હતા. જ્યારે તેમની બાજુના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી ગામના સીસીટીવી ફૂટેજ અને શકમંદોની પૂછપરછ સાથે તપાસ હાથ ધરી છે.
છોગાળા ગામના રબારી રાજુભાઇ માવજીભાઇ ઠાકોર વાસમાં ગુરૂવારે ચામુંડા માતાજી, ગોગા મહારાજ તથા રામાપીર મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રાના દર્શન કરવા તેમજ ભોજન સમારંભમાં પરિવાર તેમજ મહોલ્લાના માણસો સાથે ગયા હતા.
તે દરમિયાન અજાણ્યા શખ્સોએ રાજુભાઇના બંધ મકાનનો નકૂચો તોડી અંદર ઘૂસી તિજોરીમાંથી 7 તોલાનો સોનાનો હાર, 3 તોલાનું સોનાનું લોકેટ, 3 તોલાનું સોનાનું મંગલસુત્ર, અઢી તોલાની સોનાની બુટ્ટી, એક તોલાના સોનાના આંગનીયા, 5 તોલાની સોનાની વીટીંઓ, ચાંદીના સિક્કા તેમજ વિસનગર ખાતે રહેતા કૌટુંબિક ભત્રીજા હેમરાજભાઇ મોતીભાઇ રબારીની ઘરમાં મુકેલ ચાંદીની વીંટી અને ચાંદીની કંઠી મળી રૂ.9.54 લાખની મત્તા ચોરી ગયા હતા.
ઉપરાંત તેમના પાડોશમાં રહેતા રબારી હિતેશભાઇ હરગોવનભાઇના ઘરની બારી તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતાં ફરાર થઇ ગયા હતા. પ્રસંગ પતાવી ઘરે આવેલા રાજુભાઇએ મકાનનો નકૂચો તૂટેલો અને ઘરમાં માલસામાન વેરણછેરણ જોતાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી રાજુભાઇ રબારીએ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.