મુન્દ્રા તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

પ્રથમ ૬ માસ સુધી નવજાત શિશુને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ

સ્તનપાન છે નવજાત બાળક માટે અમૃતપાન

પ્રભાતફેરી, મહિલા મિટિંગ તથા મમતા દિવસ યોજી માતાઓને માહિતગાર કરવામાં આવ્યા

ભુજ : અત્યારે વિશ્વભરમાં 'વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીક' એટલે કે "વિશ્વ સ્તનપાન સપ્તાહ" ની ઉજવણી ચાલી રહી છે. દર વર્ષે ઓગષ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે ૧ થી ૭ ઓગષ્ટ દરમિયાન "વિશ્વ સ્તનપાન સપ્તાહ" ની ઉજવણી થાય છે. આ ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ સંસ્થા સંચાલિત આઈ.સી.ડી.એસ. ઘટક મુન્દ્રાની તમામ આંગણવાડીઓ તથા ઘટક કક્ષાએ વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સ્તનપાનને સમર્થન આપવા માટે તમામ વર્કરોની પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. પ્રભાતફેરી કરીને સુત્રોચાર સાથે સ્તનપાન અંગે બહોળો પ્રચાર કરવામાં આવેલ. સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે મહિલા મીટીંગ કરી સ્તનપાનનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે હાલના સમયમાં પાવડર અને ફોર્મ્યુલા દુધના ઉપયોગ વધતો જાય છે તેનાથી થતી આડ અસરો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.

મમતાદિવસ નિમિતે મહિલાઓ સાથે આરોગ્ય કાર્યકર અને આશા બહેનોના સહકારથી ગ્રોથ મોનેટરીંગ અને સ્તનપાન અંગે વિસ્તૃત ચર્ચા અને તેનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમુલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે. શીશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શીશુના જન્મ પછીના પહેલા છ મહિના સુધી અચૂક લેવી જોઈએ. કેમકે શીશુ જન્મ પછીના શરુઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. શીશુની ભોજન અને પોષણ સંબંધી પ્રત્યેક જરુરીયાતો, ત્યાં સુધી કે પાણીની જરુરીયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી પડે છે. નવી ગાઈડલાઈંસ પ્રમાણે શીશુને શરુઆતના છ મહિના ફક્ત માતાનું દૂધ આપવાનું હોય છે. બહારની કોઈ જ વસ્તુ નહીં એટલે કે પાણી પણ નથી આપવાનું હોતું એવી સમજણ આપવામાં આવી હતી.

આ ઉજવણીમાં ઇનચાર્જ સી.ડી.પી.ઓ. આશાબેન ગોરના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા હીનાબેન પટેલ, ધ્વનીબેન ગોર, જ્યોતિબેન સુંબળ, બ્લોક કો.ઓર્ડીનેટર તુષારભાઈ, પુનમબેન તેમજ પા-પા પગલી પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર આકાશભાઈ તેમજ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓ આંગણવાડીની આંગણવાડી કાર્યકરો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.