કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામનો યુવાન સુરજ ગામે પોતાના ફઈના ઘરે સમાધાન કરાવવા માટે ગયો હતો. જે દરમિયાન યુવાન પર ચાર ઈસમો દ્વારા ધોકા વડે હુમલો કરાતા યુવાનને હાથના ભાગે વાગતા તેને ફેક્ચર થયું હતું અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કડી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતો અરુણ દંતાણી કે જે પોતે મજૂરી કામ કરીને પોતાના પરિવાર સાથે ગામમાં જ રહે છે. જે પોતે ઘરે હાજર હતો જે દરમિયાન સૂરજ ગામે રહેતો તેના ફઈનો દીકરો રણજીત દંતાણી કે જે લક્ષ્મીપુરા ગામે અરુણ દંતાણીના ઘરે આવ્યો હતો, રણજીતએ અરુણને કહ્યું કે અમારે કુટુંબની અંદર ઝઘડો થયો છે, તો ચાલને સમાધાન કરવાનું છે. તો તું મારી સાથે ચાલ જેવું રણજીત એ કહેતા અરુણ અને રણજીત બંને જણા બપોરના સમય સુરજ ગામ ખાતે જવા માટે નીકળ્યાં હતા.
સુરજ ગામે અરુણ દંતાણી અને રણજીત દંતાણી રણજીતના ઘરે પહોંચ્યા હતા અને રણજીતના કાકા બાપા કુટુંબિક ઝઘડો થયો હતો જે બાબતે રણજીતના ઘરની બહાર કુટુંબીજનો ભેગા થયા હતા. સમાધાનની ચર્ચા કરી રહ્યા હતા. જે દરમિયાન રણજીત અને તેના કાકા સહિત કુટુંબીજનો અંદરો અંદર ઝઘડી રહ્યા હતા. જે દરમિયાન અરુણ દંતાણી વચ્ચે પડ્યો હતો અને ઝઘડવાની ના પાડી હતી. તો રણજીતના કાકાએ અરુણને કહ્યું કે, તું અમારા ઘરનું શું સમાધાન કરાવવાનો છે. તેમ કહીને ગાળા ગાડી કરવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને હાજર રહેલા રણજીતના કાકા સહિત ચાર ઈસમોએ અરુણના ઉપર હુમલો કર્યો હતો. જ્યાં અરુણને હાથના ભાગે ધોકો વાગતા તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. બાદમાં આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ઝઘડો શાંત કરાવ્યો હતો અને અરુણ પોતાના ઘરે લક્ષ્મીપુરા ખાતે આવેલો હતો. રાત્રી દરમિયાન તેને શરીરના ભાગે દુખાવો ઉપાડતા તેની પત્નીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી અને એમ્બ્યુલન્સ મારફતે કડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને હાથે ફેક્ચર થયું છે જેવું જણાવ્યું હતું. જ્યાં કડી પોલીસે અરુણ નિવેદનના આધારે ચાર ઈસમો પર ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.