ગાંધીનગરના કુડાસણ શ્યામા પ્રસાદ મુખર્જીનગરમાં રહેતી માતાએ મોબાઇલ લઈ લેતાં 17 વર્ષની કિશોરી ઘરનો દરવાજો બહારથી બંધ કરી પરિવારને અંદર પૂરી દઈ પલાયન થઈ ગઈ હતી. જેનાં પગલે અમદાવાદનો યુવક દીકરીને ભગાડીને લઈ ગયો હોવાની શંકા રાખી માતાએ ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરનાં કુડાસણ શ્યામા પ્રસાદ મુખર્જીનગરમાં 17 વર્ષ 9 મહિનાની કિશોરી પરિવારને ઘરમાં પૂરી દઈ પલાયન થઈ ગઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગત તા. 30 મી નવેમ્બરના રોજ સાંજના સાતેક વાગે સગીર વયની દીકરીને મોબાઇલ ફોન ઉપર વાત કરતાં જોઈને માતા ચોંકી ઉઠી હતી. કેમકે દીકરીનાં હાથમાં જે મોબાઇલ ફોન હતો એ ઘરના કોઈ સદસ્યનો નહોતો. આ બાબતે દીકરીને ક્યાંથી લાવી તેની માતાએ પૂછપરછ કરી હતી. જેથી સગીરાએ રસ્તામાંથી મોબાઇલ મળી આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
દીકરીની વાત ગળે નહીં ઉતરતા માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો. એ વખતે સગીરા ઘરની બહાર બેસી રહી હતી. જ્યારે તેની માતા ઘરમાં કામ કરવા લાગી હતી. આ દરમિયાન સગીરા ઘરનો દરવાજો બહારથી બંધ કરીને પલાયન થઈ ગઈ હતી. આ તરફ અડધો કલાક સુધી દીકરી ઘરમાં નહીં આવતાં માતા ઘરની બહાર જવા નીકળી હતી. પરંતુ દરવાજો બહારથી બંધ હતો. એટલે પાડોશીને બૂમ પાડીને દરવાજો ખોલ્યો હતો.
બાદમાં સોસાયટી સહિતના સ્થળોએ દીકરીની શોધખોળ કરી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. એટલે દીકરી પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન ચેક કર્યો હતો. ત્યારે અમદાવાદ વાસણા ભવાનીનગરમાં રહેતાં યુવકનો ફોટો જોવા મળ્યો હતો. આ અંગેની જાણ થતાં સગીરાના પિતા પણ ઘરે દોડી આવ્યા હતા. અને પરિવારના સભ્યો ભેગા મળીને વાસણા સગીરાની શોધખોળ કરવા ગયાં હતાં. જ્યાં પણ સગીરા મળી આવી ન હતી. જેનાં પગલે આ યુવક સગીર વયની દીકરીને ભગાડીને લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી માતાએ ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.