કડી શહેરના કરણપુર વિસ્તારમાં લવ મેરેજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી મહિલા ઉપર પોતાના પતિએ જ ઝઘડો કરી ઢોર માર મારતા મહિલાને ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કડી પોલીસે મહિલાના નિવેદનના આધારે પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કડી શહેરમાં આવેલ કરણપુર વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના વાસમાં રહેતી પરિણીતા કે જેઓએ આજથી ત્રણ વર્ષ અગાઉ મેહુલ સાથે લવ મેરેજ કર્યા હતા. જ્યાં તેઓનું લગ્નજીવન સુખમય જતું હતું. જે દરમિયાન મહિલા બપોરના સમયે તેમના સામે જ નવા પડોશી રહેવા આવ્યા હતા. જ્યાં પરિણીતા તેઓને મળવા માટે ગયા હતા, બાદમાં ઘરે આવીને રોટલી બનાવતા હતા. જે દરમિયાન તેમના પતિ મેહુલ ઘરે જમવા માટે આવ્યા અને કહેવા લાગ્યા કે, તું પડોશી ના ઘરે કેમ ગઈ હતી? જેવું કહેતા મહિલાએ કહ્યું કે, નવા પડોશી આવ્યા છે, તો બેસવા માટે ગઈ હતી. જેવી દલીલ કરતાં પતિએ અપશબ્દ બોલવાનું શરૂ કરી અને ઢોર માર મારતા મહિલાને તેમના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. તેમના પિતાએ પરિણીતાને ઇજાઓ પહોંચેલી હોવાથી કડીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કડી પોલીસે મહિલાના નિવેદનના આધારે પતિ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.