કડી વિધાનસભા બેઠક પર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે કડી વિધાનસભા બેઠક પર મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે કડી તાલુકાના રાજપુર ગામે ગુરુવારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા અને ભારતીય જનતા પાર્ટીને આડેહાથ લઈ કોંગ્રેસને જીતાડવા માટે મત આપજો તેવું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, એક વખત કાઢીને કોંગ્રેસ લાવો કોંગ્રેસ બરાબર કામ ના કરે તો પાંચ વર્ષ પછી કાઢી મૂકવાની એમાં શું વાંધો છે.

શંકરસિંહ વાઘેલાએ ભાજપને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, 27 વર્ષથી એક જ પક્ષની સરકાર બેઠી છે. એને વાયદા કરવાનો કોઈ અધિકાર નથી. તમે આટલા વર્ષથી બેઠા છો, તો કોંગ્રેસને ગાળો દેતા હોય તો તમે મૂર્ખા કહેવાય, સાથેસાથે તેમણે જણાવ્યું હતું કે, ભાજપવાળા જુઠાણું ચલાવે છે અને જૂઠું બોલવું તેમને ગાળથુંથીમાં લખાવેલું છે. જેનો પ્રયોગ તમે કરતા નહીં, એક વખત કાઢીને તમે કોંગ્રેસને લાવો અને કોંગ્રેસ કામ ના કરે તો પાંચ વર્ષ એ કાઢી મૂકવાની.