વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મહેસાણા શહેરમાં કોંગ્રેસના નગર સેવક જલ્પાબેન પટેલ એકાએક કેસરિયો ધારણ કરી લીધો છે. આજે મહેસાણા ટાઉન હોલમાં અચાનક નીતિન પટેલના હસ્તે કોંગ્રેસના જલ્પા પટેલ ભાજપમાં જોડાયા હતા. જે મામલે હાલ કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક ભંગાણ સર્જાયું છે.

મહેસાણા શહેરમાં આવેલા ટાઉન હોલ ખાતે આજે મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલને લઈ સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં વોર્ડ નં-3ના કોંગ્રેસના નગરસેવક જલ્પાબેન પટેલ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવવા પહોંચ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને સાંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં જલ્પાબેન પટેલને શારદાબેન પટેલે ભાજપની ટોપી પહેરાવી હતી. તો જલ્પા પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા જ જલ્પાબેને, નીતિન પટેલ અને શારદાબેન પટેલના આશીર્વાદ લીધા હતા.

મહેસાણાના કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલના જણાવ્યા પ્રમાણે, જલ્પા પટેલ પોતાના સ્વાર્થ ખાતર ભાજપમાં જોડાયાં, કોંગ્રેસએ જ જલ્પા પટેલને ચૂંટણીમાં ટિકિટ આપી વિજય બનાવ્યા હતા. જલ્પા પટેલ હાલના 100 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે, એ એમના સંબંધીઓ હશે બાકી મહેસાણા કોંગ્રેસનો એક પણ કાર્યકર ભાજપમાં જોડાયો નથી. વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટર જાય કે, ધારાસભ્ય જાય ભાજપની આ નીતિ છે કે, કોંગ્રેસના જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિને લઈ જવા, એમાં મતદારોને કોઈ ફર્ક પડતો નથી. તેઓએ કોંગ્રેસમાં રાજીનામું પણ આપ્યું નથી'ને કોઈને આ મામલે જાણ પણ કરી નથી. જે પાર્ટીએ તમને આપ્યું એ પાર્ટીને છોડી તમે જતા રહો એટલે તમારો અંગત સ્વાર્થ માટે જોડાતા હોવ છો ના કે પ્રજાની સેવા કરવા.