વડોદરા શહેરની માંજલપુર બેઠકના કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બે કાર્યકરો વચ્ચે બુથના નાણાંના પ્રશ્ને છૂટ્ટાહાથની મારામારી થઇ હતી. બે કાર્યકરો વચ્ચે થયેલી મારામારીનો મામલો માંજલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. નોંધનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસમાંથી મળેલું ચૂંટણી ફંડ વાપરતા ન હોવાનો પણ આક્ષેપો થયા છે.
ઉમેદવાર સતત વિવાદમાં
મળેલી માહિતી પ્રમાણે માંજલપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તસ્વીન સિંગનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે, ત્યારથી તેઓ કોઇના કોઈ મુદ્દે ચર્ચામાં આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આવેલું ચૂંટણી ફંડ વાપરતા નથી તેવા આક્ષેપો તેમની સામે થયા હતા. આક્ષેપો એટલે સુધી થયા છે કે, ચૂંટણી પ્રચાર માટે માત્ર બે ઓટો રિક્ષા ફરાવી રહ્યા છે અને રિક્ષાઓ તેમના કાર્યાલયની આસપાસ જ ફર્યા કરે છે. આ આક્ષેપોની ચર્ચા સમી નથી, ત્યાં આજે તેઓના મધ્યસ્થ કાર્યાલયમાં બે કાર્યકરો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી.