વિષય: LIC,નડિયાદ ડિવિઝનના ક્લાસ-૨ વિકાસ અધિકારીઓના સંગઠન NFIFWI ની બેઠક યોજાઈ 

LIC OF INDIA અંતર્ગત વિકાસ અધિકારી વર્ગના અખિલ ભારતીય સંગઠન *NFIFWI*( નેશનલ ફેડરેશન)ની નડિયાદ ડિવિઝનની સ્પેશિયલ જનરલ બોડી મીટીંગ,તા.:૨૭/૧૧/૨૦૨૨ ને રવિવારનાં રોજ લોહપુરુષ સરદાર પટેલની જન્મભૂમિ *કરમસદ* મુકામે *હોટેલ દર્શન ઈન* ખાતે સંપુર્ણ ગરિમા અને ભવ્યતાથી સંપન્ન થઈ.

આ બેઠકમાં NFIFWI(નેશનલ ફેડરેશન) નાં અખિલ ભારતીય સંઘના મહાસચિવ *શ્રી વિવેક સિંઘ*,વેસ્ટર્ન ઝોનનાં ઝોનલ સચિવ *શ્રી પુનિત ભટ્ટ*,નડિયાદ ડિવિઝનનાં પ્રમુખ *શ્રી મનહરસિંહ પુવાર* તથા ડિવિઝન સચિવ *શ્રી નિર્મિત ઠક્કર* ના પ્રતિનિધિત્વ હેઠળ યોજવામાં આવી હતી.જેમાં આણંદ,ખેડા,પંચમહાલ,મહીસાગર જીલ્લાને આવરી લેતા *નડિયાદ ડિવિઝન* નાં તમામ ૧૨૫ થી વધુ વિકાસ અધિકારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં નેશનલ ફેડરેશનનાં અખિલ ભારતીય મહાસચિવ શ્રી વિવેક સિંઘે જણાવ્યું કે કોરોના કાળમાં પણ આ બેઠી થતી ભારતીય અર્થવ્યવસ્થામાં ભારતીય જીવન વીમા નિગમ LIC એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.૨૨ થી વધુ પ્રાઇવેટ જીવન વીમા કંપનીઓ હોવા છતાં LIC નો માર્કેટ શેર પોલિસી માનાંકમાં ૭૫% થી વધુ અને પ્રીમિયમ માનાંકમાં ૬૦% થી વધુ છે.જે વીમાધારકોનો LIC પ્રત્યેનો અતુટ વિશ્વાસને દર્શાવે છે.આજે જ્યારે વીમો આર્થિક સુરક્ષાનું એવું માધ્યમ છે જેની જરૂર સમાજના ગરીબ થી લઇ મધ્યમવર્ગ સુધીનાં દરેકને છે ત્યારે તેમણે પોલિસી પરનો GST હટાવવાની માંગણી કરી હતી.નવી રોજગારીએ સમયની માંગ છે અને એ માટે વીમા એજન્ટનાં વ્યવસાયને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે તે પણ તેમણે જણાવ્યું.આ સાથે વિમાધારકોને ટેકનોલોજીની મદદથી મળી રહેલ અવનવી સહાયનો પણ પ્રચાર અને પ્રસાર કરવાની આવશ્યકતા છે તે બાબત પર વિશેષ જોર આપ્યું.

મહાસચિવ વિવેક સિંઘે જણાવ્યું કે વીમા રેગ્યુલેટર ઇરડા આજે LIC ને નબળી કરવા અને પ્રાઇવેટ વીમા કંપનીઓને ફાયદો કરાવવાના હેતુથી રોજ અવનવા નિયમો જારી કરી રહી છે.આ અંતર્ગત તેમણે વધુમાં જણાવ્યું કે વીમા એજન્ટોને એક સાથે એક કરતાં વધુ વીમા કંપનીઓનું કામ કરવાનો અધિકાર આપવો,જીવન સુગમ જેવું કોમન પ્લેટફોર્મ ઉભુ કરવું, એજન્ટોનું પ્રથમ વર્ષીય કમિશન સીમિત કરવું, બોનસ કમિશનને સમાપ્ત કરવું, વીમાધારકને એજન્ટ બદલવાનો અધિકાર આપવાની વાત કરવી, વિમા પોલીસી માટે ડિમેટ ખાતું અનિવાર્ય બનાવવું,વીમાના ઓનલાઇન વેચાણને પ્રોત્સાહન આપવું એ ઇરડાનાં એવા પ્રસ્તાવો છે જેનાથી માત્ર અને માત્ર LIC ને જ નુકશાન થશે અને LIC નાં ૧૩ લાખથી વધુ એજન્ટો પ્રભાવિત થશે.નેશનલ ફેડરેશન દ્વારા ઇરડાની નીતિઓનો કડક વિરોધ કરવાનો નિર્ણય લેવાયો છે.આ વિરોધ અન્વયે આજસુધી નેશનલ ફેડરેશન દ્વારા ૪૦૦ થી વધુ સાંસદોને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યા છે.

અગાઉ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ ઇરડા દ્વારા નેશનલ ફેડરેશનનાં રાષ્ટ્રીય પ્રમુખ અને મંત્રીશ્રીને વાર્તાલાપ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ વાર્તાલાપ અંતર્ગત નેશનલ ફેડરેશને પોતાનો મત રજુ કરતા ઇરડાનાં ચેરમેનને જણાવ્યું કે આપના દ્વારા જે નિયમો લાદવામાં આવી રહ્યા છે તેનાથી ફક્ત અને ફકત LIC જ દુષપ્રભાવિત થશે.સાથે સાથે ઇરડાનાં ચેરમેનને જાણ કરી કે નેશનલ ફેડરેશન આ નિયમોનો સખત વિરોધ કરે છે અને માંગણી કરે છે કે આ નવા નિયમોને લાગુ કરવાની કાર્યવાહીને તાત્કાલિક રોકવામાં આવે અને સાથે સાથે એક કમિટીનું ગઠન કરવામાં આવે જેમાં નેશનલ ફેડરેશનનાં પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવે અને આ નવા પ્રસ્તાવિત નિયમોને આધીન થનાર અસરોના તમામ પાસાઓ પર ગહન વિચાર વિમર્શ કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે.

આ પ્રસંગે વેસ્ટર્ન ઝોનલ સેક્રેટરી શ્રી પુનિત ભટ્ટે એજન્ટનાં કમિશનમાં ઘટાડો કરતા ડ્રાફ્ટનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને તેને તદ્દન બિનતાર્કિક જણાવતા તેને પરત ખેંચવાની માંગણી કરી હતી.સાથે સાથે તેમણે LIC નાં ૧૨૫૦૦૦ કર્મચારીઓ અને ૧૨ લાખથી વધુ એજન્ટોને એક મંચ પર આવી LIC ને નબળી પાડનારી શક્તિઓ સામે લડવાની અને પ્રાઇવેટ વીમા કંપનીઓના કુંઠિત મનસુબાઓને નાકામ કરવા સંગઠિત થવાનું આહવહન આપ્યું હતું.

આ બેઠકમાં નેશનલ ફેડરેશનનાં રાષ્ટ્રીય અને ઝોનલ પદાધિકારીઓ દ્વારા નવા નિમાયેલા,મહિલા અને નિવૃત્ત થઈ રહેલ વિકાસ અધિકારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ રાષ્ટ્રીય આગેવાનોએ નડિયાદ ડિવિઝનનાં પદાધિકારીઓ સાથે ઉપપ્રમુખ સુજીત વાઘેલા, ઉપસચિવ શ્રી જગત જાગીરદાર, શ્રી કૌશિક વ્યાસ અને શ્રી રમેશ માછી, રેસીડેન્સ સેક્રેટરી શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને ખજાનચી શ્રી સુરેશભાઈ વસાવાને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રગીતના ગાન બાદ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.