ADRએ સોમવારે રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણીના ફેજ-2 માં આવતી 93 બેઠકોનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જે અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 10 દેવાદારોમાં ઉત્તર ગુજરાતના 5 કરોડપતિ ઉમેદવારો છે. સૌથી વધુ મિલકત ધરાવતાં 10 પૈકી 4 ઉમેદવાર તેમજ સૌથી ઓછી મિલકત ધરાવતાં 10 પૈકી 1 ઉમેદવાર ઉત્તર ગુજરાતના છે. જ્યારે સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતાં ટોપ-3 માં 2 ઉમેદવાર ઉત્તર ગુજરાતના છે. રિપોર્ટ પ્રમાણે સિદ્ધપુર બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત વાર્ષિક આવકમાં પ્રથમ, વધુ મિલકતમાં બીજા અને દેવામાં 7 મા ક્રમે છે.

જ્યારે ઊંઝા બેઠકના ભાજપના ઉમેદવાર કે.કે.પટેલ વાર્ષિક આવકમાં ત્રીજા ક્રમે અને દેવામાં પાંચમા ક્રમે છે. ધાનેરા બેઠકથી અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજીભાઇ દેસાઇ વધુ મિલકતમાં આઠમા ક્રમે અને દેવામાં ચોથા ક્રમે છે. જ્યારે વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણભાઇ પટેલ દેવામાં ત્રીજા અને વધુ મિલકતમાં છઠ્ઠા ક્રમે છે. ઉલ્લેખનિય છે કે, રાજકારણમાં આવતા અધિકાંશ ઉમેદવારો મિલકતની બાબતમાં ધનિક જણાય છે.

ઇન્કમ ટેક્ષ રિટર્ન પ્રમાણે સૌથી વધુ આવક ધરાવતાં ટોપ-10 માં ઉ.ગુ.ના 2 ઉમેદવારો છે. પ્રથમ નંબરે સિદ્ધપુર બેઠકના ભાજપના બલવંતસિંહ રાજપૂતની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ.3.73 કરોડની છે. પરિવારની વાર્ષિક આવક રૂ.4.94 કરોડની છે. આવકની દ્રષ્ટ્રીએ ત્રીજા ક્રમે આવતાં ઊંઝા બેઠકના ભાજપના ઉમેદવાર કે.કે. પટેલની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ.1.78 કરોડની જ્યારે પરિવારની આવક રૂ.2.26 કરોડની છે. બંને ઉમેદવારોના આવકનો સ્ત્રોત બિઝનેસ, ખેતી અને ભાડાથી થતી આવકનો સમાવેશ થાય છે.

93 બેઠકોમાં રૂ.372.65 કરોડની મિલકત ધરાવતાં સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત બીજા નંબરની સૌથી વધુ મિલકત ધરાવતાં ઉમેદવાર છે. રાધનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇ રૂ.140.60 કરોડની મિલકત સાથે ચોથા ક્રમે, વિજાપુર બેઠકના ભાજપના રમણભાઇ પટેલ રૂ.95.68 કરોડની મિલકત સાથે છઠ્ઠા ક્રમે તેમજ ધાનેરા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી રહેલાં માવજીભાઇ રૂ.63.46 કરોડ સાથે આઠમા ક્રમે છે. રૂ.10 હજારની મિલકત ધરાવતાં પાટણ બેઠક પર અપક્ષના પ્રવિણભાઇ સૌથી ઓછી મિલકતમાં ચોથા ક્રમે છે.