વીમાદારની ડેગ્યુની બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૃરી ન હોવાનું જણાવીને ક્લેઈમ નકારનાર વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજસહિત વળતર વસુલ અપાવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી. પી. મેખીયા સભ્યો ડૉ. તિર્થેશ મહેતા અને પુર્વીબેન જોશીએ હુકમ કર્યો છે.

ફરીયાદી હિતેશ મનસુખ કાનાણી(રે. હેત્વી હાઈટ્સ, મોટા વરાછા)એ યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ. 3 લાખની સમ એસ્યોર્ડ ધરાવતી મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા. દરમિયાન તા. 2-11-19ના રોજ ફરિયાદીની ડેંગ્યુની બિમારીની નિદાન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા થયેલો રૃા. 45, 220ના ખર્ચ માટે ક્લેઇમ કર્યો હતો. પણ આ બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૃરી ન હોવાનું કારણ આગળ ધરીને વીમા કંપનીએ ક્લેઈમ નકારી કાઢતા નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી.

સુનાવણીમાં જણાવાયું કે, વીમા દાર ક્લેઈમ મેળવવા હક્કદાર હોવા છતાં વીમા કંપનીએ કોઈપણ જાતની વાસ્તવિકતા જાણ્યા વગર ક્લેઈમ નકાર્યો છે. કોર્ટે ક્લેઈમની રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત તથા હાલાકી-અરજી ખર્ચ પેટે કુલ 8 હજાર ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે. ગ્રાહક કોર્ટે જણાવ્યું હતું કે ડેંગ્યુનો તાવ અમુક સંજોગોમાં જીવલેણ સાબિત થઈ શકે છે. ફરિયાદીનો ક્લેઈમ નકારવાનું વીમા કંપની માટે તર્ક સંગત અને ન્યાય સંગત નથી.