મહેસાણા શહેરના રાધનપુર રોડ પર સવારે રોડ પર ચાલીને જઇ રહેલા 68 વર્ષીય વૃદ્ધને એક બેફામ બાઇક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં આસપાસના લોકો વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા, બાદમાં વૃદ્ધે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણા શહેરમા રાધનપુર રોડ પર શુભ રેસિડેન્સીમા રહેતા 68 વર્ષીય વિસાભાઈ પટેલ જેઓ 20 નવેમ્બરના સવારે પોતાની સોસાયટીમાંથી આગળ પોતાના મિત્ર સાથે ફૂટપાથ પર ચાલીને જતા હતા. આ દરમિયાન પાંચોટ બાજુથી એક બાઇક ચાલકે આવી વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ચાલક પણ રોડ પર ફગોળાયો હતો તેમજ લોકોના ટોળા થઈ જતા બાઇક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાજર લોકોએ વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ડોકટર ખભા પર ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.
બાદમાં વૃદ્ધના દીકરાએ જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં આસપાસના દુકાન ચાલકો પાસે અકસ્માત અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, અકસ્માત કરનાર 18 વર્ષીય વૈભવ દવે હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવકે પોતાન (GJ-2-DR-1409) બાઇકથી વૃદ્ધને ટક્કર મારી હતી. જેના વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.