વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

૭-વાવ વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વરશ્રી પ્રભજોતસિંહના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ માટે વિવિધ મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

મતદાન કરનાર ગ્રાહકોને પેટ્રોલ પર ડિસ્કાઉન્ટ, દવાખાના તથા હોસ્પિટલના કેસની ફીમાંથી મુક્તિ, દવાઓ પર ૧૫% સુધીનું ડિસ્કાઉન્ટ જેવી સ્કીમો દ્વારા મતદારોનો ઉત્સાહ વધારાશે

    ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આગામી તા.૫ મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ મામલતદાર કચેરી વાવ ખાતે ૭- વાવ વિધાનસભા મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વરશ્રી પ્રભજોતસિંહ (IAS) ના અધ્યક્ષસ્થાને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે ૭- વાવ વિધાનસભા મતવિસ્તારના વેપારી મહામંડળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પેટ્રોલ પંપ એસોસિએશન તથા કરિયાણાની દુકાનોના એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત વિવિધ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.

           જનરલ ઓબ્ઝર્વરશ્રી પ્રભજોતસિંહ દ્વારા મંડળના પ્રતિનિધિઓને મતદાર જાગૃતિના પોસ્ટરો લગાવવા તેમજ તેઓ પ્રોત્સાહિત થાય તેવી વેચાણ સ્કીમો અમલમાં મુકવા અનુરોધ કર્યો હતો. આ અનુરોધને હૂંફાળો પ્રતિસાદ આપતા તમામ મંડળો દ્વારા તેમના મતદાન કરનાર ગ્રાહકોને પેટ્રોલ પર ડિસ્કાઉન્ટ, દવાખાના તથા હોસ્પિટલના કેસની ફીમાંથી મુક્તિ, દવાઓ પર ૧૫% સુધીનું ડિસ્કાઉન્ટ જેવી સ્કીમો દ્વારા મતદારોનો ઉત્સાહ વધારવા અને ૧૦૦% મતદાનનું લક્ષ્ય હાંસલ કરવા પૂરતા સંનિષ્ઠ પ્રયાસોમાં ભાગીદાર થવા ખાતરી આપવામાં આવી હતી. ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સૌ હાજર શ્રેષ્ઠીઓનો વહીવટી તંત્ર વતી આભાર માની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.