મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો હોવાથી દરેક રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા માટે દોડાદોડી કરતાં જોવા મળી રહ્યાં છે. દિગ્ગજ નેતાઓ દિવસમાં મોટા ભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કરી રહ્યાં છે. સાથે જ મતદારોને રિઝવવા એક સ્થળેથી બીજા સ્થળે ઉડાઉડ કરવાની સાથે સાથે મતદારોને મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં આજે ભાજપના સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસના મુકુલ વાસનિક મતદારોને સંબોધવાના છે. તો આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે સભાના આયોજન કરવામાં આવ્યાં છે. બીજી તરફ તંત્ર પણ ચૂંટણીની તૈયારી લાગી ગયું છે. ઘરે ઘરે બારકોડ વાળી મતદાર સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભાજપ પ્રેસ મીટ કરશે
આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ રાજ્યસભાના સાંસદ સુધાંશુજી ત્રિવેદી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. સાથે જ ભાજપ સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા કામોના લેખાંજોખાં પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ત્રિવેદી કોંગ્રેસ પર આકારા પ્રહાર કરે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે.
કોંગ્રેસના વાસનિક મેદાનમાં
અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિક આજે સુરતમાં છે. તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરશે. ત્યારબાદ નેતાઓ સાથે મિટીંગ યોજશે અને સભાને પણ સંબોધિત કરશે. મુકુલ વાસનિક દ્વારા વર્તમાન કેન્દ્ર સરકારની નીતિ રીતિ અને ગુજરાતમાં ચાલતી કામગીરી તથા કોરોનાને લઈને પણ નિવેદન આપવામાં આવશે.