છત્રાલ કલોલ હાઇવે અકસ્માતનું હબ બની ગયું હોય તેમ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બુધવારે સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા અરવિંદભાઈ સોમાભાઈ સોલંકી એક્ટિવા લઈને નિત્યક્રમ મુજબ નોકરી જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ડેનિશ કંપનીની નજીક માન સરોવર સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ બાઈક સવારે અરવિંદભાઈના એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી.
ટક્કર વાગતા અરવિંદભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ ટોલ એમ્બ્યુલન્સને થતા એમ્બ્યુલન્સ મારફતે મૃતક તેમજ ઘાયલ બાઈક ચાલકને કલોલ સીએચસી સેન્ટર ખાતે લઈ આવ્યા હતા. જેમા ઘાયલ થયેલ હર્ષિલ પટેલ નામના યુવકની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. હાઇવે પર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે.