એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટના કારણે કોલકાતાથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને મુંબઇ ડાયવર્ટ કરવી પડી હતી. વીઆઇપી મુવમેન્ટ અંગે જાણ પણ કરાઇ હતી, પરંતુ એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સમય કરતા પહેલાં આવી ગઇ હતી, જેથી હવામાં જ 4 ચક્કર માર્યા બાદ પાયલટે ફ્યુઅલનું કારણ બતાવીને મુંબઇ એરપોર્ટ ઉપર જઇને પરત સુરત આવી હતી. આ કારણોસર 70થી વધુ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
એરપોર્ટના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર-777 કોલકાતાથી સુરત આવી રહી હતી. જેનો લેન્ડિંગ સમય સાંજે 7 વાગ્યાનો હતો. સમય કરતાં પહેલાં જ આ ફ્લાઇટ સુરત એરપોર્ટ નજીક આવી પહોંચી હતી. એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલરે પાઇલટને જાણ પણ કરી હતી. સાંજે 7 વાગ્યે વીઆઇપી મુવમેન્ટ પુરી થઇ ગયા બાદ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલરે લેન્ડ કરવા સૂચના આપી હતી. જો કે, પાયલટે ફ્લાઇટને મુંબઇ ડાયવર્ટ કરવાનું નક્કી કર્યું હતું.
ફ્યુઅલ ઓછું હોય તો લેન્ડ કરવું જ હિતાવહ હતું
ફ્લાઇટને મુંબઇ લઇ જવાની ઘટનાને લઇને સોશીયલ મીડિયાના અનેક ટિપ્પણીઓ થઇ હતી. જો ફ્લાઇટમાં ફ્યુલ ઓછું હોય તો તેને સુરત એરપોર્ટ ઉપર જ લેન્ડ કરવી જોઇતી હતી, પરંતુ પાયલટ કયા કારણોસર મુંબઇ એરપોર્ટ લઇ ગયા તે એક મોટો પ્રશ્ન છે. સુરતથી મુંબઇ સુધીમાં તો વધારે ફ્યુઅલ વપરાય જાય તેવી ચર્ચા પણ થઇ હતી.