અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારૂઓએ ફિલ્મી સ્ટાઇલમાં તમંચો દેખાડી આંગડિયા પેઢીના કર્મચારીઓને ધમકાવી આશરે 40 કરોડના હીરા અને રોકડની લૂંટ ચલાવી હતી. આ ચકચારી લૂંટમાં વધુ એક આરોપીને પીસીબીના સ્ટાફે તેના વતનથી પકડી પાડ્યો છે.
પીસીબીના પીઆઈ આર. એસ. સુવેરાની સૂચનાથી હે. કો. અશોક અને હે. કો. જ્યેન્દ્રસિંહ બાતમીને આધારે રવિવારે વહેલી સવારે લૂંટમાં સામેલ આરોપી દિલીપ કરશન કપૂરીયા(45)(રહે, રવશીયાગામ, જામનગર)ને તેના વતનથી પકડી પાડ્યો છે. આરોપી તેની સાથે લૂંટ કરવા આવેલા અન્ય આરોપીને કારમાં લઈને આવ્યો હતો અને કાર પોતે ચલાવતો હતો.
બસની આગળ આડી કાર પણ તેણે મુકી હતી. દિલીપ સામે ચીટીંગ સહિત 6 ગુનાઓમાં વોન્ટેડ હતો. અગાઉ તેણે ડિજિટલ કંપની ખોલી 30 લાખની ચીટીંગ કરી હતી. જેમાં પણ તે નાસતો ફરતો હતો. ચોરી, દારૂ, સહિતના ગુનાઓમાં અગાઉ તે સુરત, રાજકોટ, કામરેજ જામનગરમાં 11 વાર પકડાયો હતો.
કરોડોના હીરા અને રોકડનો પ્લાન નાસિકથી આવેલા 15 લૂંટારૂઓએ કર્યો હતો અને તેના માટે લૂંટારૂઓ બે કારમાં આવ્યા હતા. અગાઉ આ પ્રકરણમાં પોલીસે સૂત્રધાર હિરેન આકોલિયા (પટેલ)(35) (રહે, એપલ એવન્યુ, યોગીચોક)ને સુરતથી ઝડપી પાડ્યો હતો. 40 લાખનું દેવુ થતા હિરેને મિત્ર રાજુ હઠીલા સાથે સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો અને નાસીકથી ટોળકીને લૂંટ કરવા બોલાવી હતી.